૩૨૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે, દર્શનમોહરૂપ ઉપાધિ દૂર થતાં પ્રગટ થાય છે માટે
આત્માનો સ્વભાવ છે. ચતુર્થાદિ ગુણસ્થાનમાં પ્રગટ થાય છે, પછી સિદ્ધઅવસ્થામાં પણ
સદાકાળ તેનો સદ્ભાવ રહે છે — એમ જાણવું.
તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં અવ્યાપ્તિ – અતિવ્યાપ્તિ – અસંભવ
દોષનો પરિહાર
પ્રશ્નઃ — તિર્યંચાદિ (પશુ આદિ) તુચ્છજ્ઞાની કેટલાક જીવો સાત તત્ત્વનાં નામ
પણ જાણી શકતા નથી છતાં તેમને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી છે, માટે
તત્ત્વાર્થશ્રદ્ધાનપણું સમ્યક્ત્વનું લક્ષણ તમે કહ્યું તેમાં અવ્યાપ્તિદૂષણ લાગે છે?
ઉત્તરઃ — જીવ – અજીવાદિકનાં નામાદિક જાણો, ન જાણો વા અન્યથા જાણો પરંતુ
તેનું સ્વરૂપ યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતાં સમ્યક્ત્વ થાય છે.
ત્યાં કોઈ તો સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, કોઈ વિશેષપણે સ્વરૂપ
ઓળખી શ્રદ્ધાન કરે છે, માટે જે તિર્યંચાદિ તુચ્છજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ છે તે જીવાદિકનાં નામ પણ
જાણતાં નથી તોપણ તેઓ સામાન્યપણે તેનું સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે તેથી તેમને
સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય છે.
જેમ કોઈ તિર્યંચ પોતાનું વા બીજાઓનું નામાદિક તો ન જાણે પરંતુ પોતાનામાં જ
પોતાપણું માને છે તથા અન્યને પર માને છે; તેમ તુચ્છજ્ઞાની જીવ – અજીવનાં નામ ન જાણે
પણ જે જ્ઞાનાદિસ્વરૂપ આત્મા છે તેમાં તો તે સ્વપણું માને છે તથા જે શરીરાદિક છે તેને
પર માને છે. એવું શ્રદ્ધાન તેને હોય છે એ જ જીવ – અજીવનું શ્રદ્ધાન છે, વળી જેમ તે જ
તિર્યંચ સુખાદિનાં નામાદિક તો ન જાણે તોપણ સુખઅવસ્થાને ઓળખી તેના અર્થે ભાવિદુઃખનાં
કારણોને પિછાણી તેનો ત્યાગ કરવા ઇચ્છે છે તથા (વર્તમાન) જે દુઃખનાં કારણો બની રહ્યાં
છે તેના અભાવનો ઉપાય કરે છે; તેમ તુચ્છજ્ઞાની મોક્ષાદિકનાં નામ જાણતો નથી તોપણ સર્વથા
સુખરૂપ મોક્ષઅવસ્થાનું શ્રદ્ધાન કરી તેના અર્થે ભાવિબંધના કારણ જે રાગાદિ આસ્રવ તેના
ત્યાગરૂપ સંવરને કરવા ઇચ્છે છે, તથા જે સંસારદુઃખનું કારણ છે તેની શુદ્ધભાવ દ્વારા નિર્જરા
કરવા ઇચ્છે છે. એ રીતે આસ્રવાદિકનું તેને શ્રદ્ધાન છે.
એ પ્રકારે તેને પણ સાત તત્ત્વોનું શ્રદ્ધાન હોય છે.
જો તેને એવું શ્રદ્ધાન ન હોય તો રાગાદિક છોડી શુદ્ધભાવ કરવાની ઇચ્છા ન થાય.
એ જ અહીં કહીએ છીએ. જો જીવની અને અજીવની જાતિ ન જાણે – સ્વરૂપને ન ઓળખે
તો તે પરમાં રાગાદિક કેમ ન કરે? જો રાગાદિકને ન ઓળખે તો તેનો ત્યાગ કરવો તે કેમ
ઇચ્છે? અને તે રાગાદિક જ આસ્રવ છે, રાગાદિકનું ફળ બૂરું છે એમ ન જાણે તો તે રાગાદિક