૩૨૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
કરે છે, તોપણ તેને એ શ્રદ્ધાનનો નાશ થતો નથી. આનો વિશેષ નિર્ણય આગળ કરીશું.
એ પ્રમાણે સાત તત્ત્વોનો વિચાર ન હોવા છતાં પણ તેનામાં શ્રદ્ધાનનો સદ્ભાવ છે
તેથી ત્યાં અવ્યાપ્તિપણું નથી.
✾
નિર્વિકલ્પદશામાં પણ તત્ત્વશ્રદ્ધાન ✾
પ્રશ્નઃ — ઉચ્ચદશામાં જ્યાં નિર્વિકલ્પ આત્માનુભવ હોય છે ત્યાં તો સાત
તત્ત્વાદિના વિકલ્પનો પણ નિષેધ કર્યો છે. હવે સમ્યક્ત્વના લક્ષણનો નિષેધ કરવો કેમ
સંભવે? અને ત્યાં નિષેધ સંભવે છે તો ત્યાં અવ્યાપ્તિપણું આવ્યું?
ઉત્તરઃ — નીચેની દશામાં સાત તત્ત્વોના વિકલ્પમાં ઉપયોગ લગાવ્યો તેથી પ્રતીતિને
દ્રઢ કરી તથા વિષયાદિથી ઉપયોગને છોડાવી રાગાદિક ઘટાડ્યા, હવે એ કાર્ય સિદ્ધ થતાં એ
જ કારણોનો પણ નિષેધ કરીએ છીએ. કારણ કે જ્યાં પ્રતીતિ પણ દ્રઢ થઈ તથા રાગાદિ
દૂર થયા ત્યાં ઉપયોગને ભમાવવાનો ખેદ શા માટે કરીએ? માટે ત્યાં એ વિકલ્પોનો નિષેધ
કર્યો છે. વળી સમ્યક્ત્વનું લક્ષણ તો પ્રતીતિ જ છે, એ પ્રતીતિનો તો ત્યાં નિષેધ કર્યો નથી.
જો પ્રતીતિ છોડાવી હોય તો એ લક્ષણનો નિષેધ કર્યો કહેવાય, પણ એમ તો નથી. સાતેય
તત્ત્વોની પ્રતીતિ તો ત્યાં પણ કાયમ જ રહે છે, માટે અહીં અવ્યાપ્તિપણું નથી.
પ્રશ્નઃ — છદ્મસ્થને તો પ્રતીતિ – અપ્રતીતિ કહેવી સંભવે છે, તેથી ત્યાં સાત
તત્ત્વોની પ્રતીતિને સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું તે અમે માન્યું, પણ કેવળી – સિદ્ધભગવાનને
તો સર્વનું જાણપણું સમાનરૂપ છે તેથી ત્યાં સાત તત્ત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી
અને તેમને સમ્યક્ત્વગુણ તો હોય છે જ, માટે ત્યાં એ લક્ષણમાં અવ્યાપ્તિપણું આવ્યું?
ઉત્તરઃ — જેમ છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી સિદ્ધ-
ભગવાનને કેવળજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. જે સાત તત્ત્વોનું સ્વરૂપ પહેલાં બરાબર નિર્ણીત
કર્યું હતું તે જ હવે કેવળજ્ઞાનવડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવગાઢપણું થયું. તેથી
જ ત્યાં પરમાવગાઢસમ્યક્ત્વ કહ્યું છે. પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠ જાણ્યું હોત તો
ત્યાં અપ્રતીતિ થાત; પરંતુ જેવું સાત તત્ત્વોનું શ્રદ્ધાન છદ્મસ્થને થયું હતું તેવું જ કેવળી –
સિદ્ધભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિક હીનતા – અધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિક અને
કેવળી – સિદ્ધભગવાનને સમ્યક્ત્વગુણ તો સમાન જ કહ્યો.
વળી પૂર્વ અવસ્થામાં તે એમ માનતો હતો કે ‘સંવર – નિર્જરાવડે મોક્ષનો ઉપાય કરવો,’
હવે મુક્તઅવસ્થા થતાં એમ માનવા લાગ્યો કે ‘સંવર – નિર્જરાવડે મને મુક્તદશા પ્રાપ્ત થઈ.’
પહેલાં જ્ઞાનની હીનતાથી જીવાદિકના થોડા ભેદો જાણતો હતો અને હવે કેવળજ્ઞાન થતાં તેના
સર્વ ભેદો જાણે છે, પરંતુ મૂળભૂત જીવાદિકનાં સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું