નવમો અધિકાર ][ ૩૨૭
જ કેવળીને પણ હોય છે. જોકે કેવળી – સિદ્ધભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે
છે તોપણ તે પદાર્થો પ્રયોજનભૂત નથી તેથી સમ્યક્ત્વગુણમાં સાત તત્ત્વોનું શ્રદ્ધાન જ ગ્રહણ
કર્યું છે. કેવળી – સિદ્ધભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસારઅવસ્થાને
ઇચ્છતા નથી તે આ શ્રદ્ધાનનું બળ જાણવું.
પ્રશ્નઃ — સમ્યગ્દર્શનને તો મોક્ષમાર્ગ કહ્યો હતો, તો મોક્ષમાં તેનો સદ્ભાવ
કેવી રીતે કહો છો?
ઉત્તરઃ — કોઈ કારણો એવાં પણ હોય છે કે – કાર્ય સિદ્ધ થવા છતાં પણ નષ્ટ થતાં
નથી. જેમકે કોઈ વૃક્ષને કોઈ એક શાખાથી અનેક શાખાયુક્ત અવસ્થા થઈ, તેના હોવા છતાં
તે એક શાખા નષ્ટ થતી નથી; તેમ કોઈ આત્માને સમ્યક્ત્વ ગુણવડે અનેક ગુણયુક્ત
મોક્ષઅવસ્થા થઈ, હવે તે હોવા છતાં પણ સમ્યક્ત્વ ગુણ નષ્ટ થતો નથી. એ પ્રમાએ કેવળી –
સિદ્ધભગવાનને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ જ સમ્યક્ત્વ હોય છે, માટે ત્યાં મિથ્યાદ્રષ્ટિનું
તત્ત્વશ્રદ્ધાન નામ નિક્ષેપથી હોય છે અવ્યાપ્તિપણું નથી.
પ્રશ્નઃ — મિથ્યાદ્રષ્ટિને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે,
અને શ્રી પ્રવચનસારમાં આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે; માટે
સમ્યક્ત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું, તેમાં અતિવ્યાપ્તિદૂષણ લાગે છે?
ઉત્તરઃ — મિથ્યાદ્રષ્ટિને જે તત્ત્વશ્રદ્ધાન કહ્યું છે તે નામનિક્ષેપથી કહ્યું છે. જેમાં તત્ત્વ -
શ્રદ્ધાનનો ગુણ નથી અને વ્યવહારમાં જેનું નામ તત્ત્વશ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યાદ્રષ્ટિને હોય
છે, અથવા આગમદ્રવ્યનિક્ષેપથી હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધાનનાં પ્રતિપાદક શાસ્ત્રોનો અભ્યાસ છે પણ
તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી એમ જાણવું; અને અહીં જે સમ્યક્ત્વનું
લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું, તે તો ભાવનિક્ષેપથી કહ્યું છે, એવા ગુણસહિત સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન
મિથ્યાદ્રષ્ટિને કદી પણ હોતું નથી. વળી આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું છે ત્યાં પણ એ
જ અર્થ જાણવો; કારણ કે – જેને જીવ
– અજીવાદિનું સાચું શ્રદ્ધાન હોય તેને આત્મજ્ઞાન કેમ ન
હોય? અવશ્ય હોય જ. એ પ્રમાણે કોઈ પણ મિથ્યાદ્રષ્ટિને સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વથા હોતું
નથી, માટે એ લક્ષણમાં અતિવ્યાપ્તિદૂષણ લાગતું નથી.
વળી આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણ કહ્યું છે તે અસંભવદૂષણયુક્ત પણ નથી. કારણ કે
સમ્યક્ત્વનું પ્રતિપક્ષી મિથ્યાત્વ જ છે, તેનું લક્ષણ આનાથી વિપરીતતા સહિત છે.
એ પ્રમાણે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવપણાથી રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વ
સમ્યગ્દ્રષ્ટિઓને તો હોય છે તથા કોઈ પણ મિથ્યાદ્રષ્ટિઓને હોતું નથી, તેથી સમ્યગ્દર્શનનું સાચું
લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન જ છે.