વળી વક્તાનાં વિશેષ લક્ષણ આ પ્રમાણે છે કે — જો વ્યાકરણ – ન્યાયાદિક વા મોટાં મોટાં
જૈનશાસ્ત્રોનું તેને વિશેષ જ્ઞાન હોય તો વિશેષપણે વક્તાપણું શોભે. વળી એ ઉપરાંત
અધ્યાત્મરસદ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ જૈનધર્મના મર્મને
ન જાણતાં માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે, તો તેનાથી અધ્યાત્મરસમય સાચા જૈનધર્મનું
સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય? માટે આત્મજ્ઞાની હોય તો સાચું વક્તાપણું હોય, કારણ શ્રી
પ્રવચનસારમાં પણ કહ્યું છે કે — આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમભાવ એ ત્રણે
આત્મજ્ઞાનશૂન્ય કાર્યકારી નથી. વળી દોહા પાહુડમાં પણ કહ્યું છે કેઃ —
पंडिय पंडिय पंडिय कण छोडि वितुस कंडिया ।
पय अत्थं तुट्ठोसि परमत्थ ण जाणइ मूढोसि ।।८५।।
અર્થઃ — હે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણને છોડી માત્ર તુસ જ ખાંડે છે
અર્થાત્ તું અર્થ અને શબ્દમાં જ સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી માટે મૂર્ખ
જ છે.
વળી ચૌદ વિદ્યામાં પણ પહેલાં અધ્યાત્મવિદ્યા પ્રધાન કહી છે, માટે અધ્યાત્મરસનો રસિક
વક્તા હોય તે જ જૈનધર્મના રહસ્યનો વક્તા જાણવો. વળી જે વક્તા બુદ્ધિૠદ્ધિના ધારક હોય
તથા અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાનના ધણી હોય તે મહા વક્તા જાણવા. એવા વક્તાઓના
વિશેષ ગુણ જાણવા. એ વિશેષ ગુણધારી વક્તાનો સંયોગ મળી આવે તો ઘણું જ સારું, પણ
ન મળે તો શ્રદ્ધાનાદિક ગુણોના ધારક વક્તાઓના જ મુખથી શાસ્ત્ર શ્રવણ કરવું. એવા ગુણવંત
મુનિ વા શ્રાવકના મુખથી તો શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય છે પણ ૧પદ્ધતિબુદ્ધિવડે વા શાસ્ત્ર
સાંભળવાના લોભથી શ્રદ્ધાનાદિ ગુણરહિત પાપી પુરુષોનાં મુખથી શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી
કહ્યું છે કેઃ —
तं जिण आणपरेणय धम्मो सो यच्च सुगुरु पासम्मि ।
अह उचिओ सद्धाओ तत्सुवएसस्स कहगाओ ।।
અર્થઃ — જે જિનઆજ્ઞા માનવામાં સાવધાન છે તેમણે નિર્ગ્રંથ સુગુરુના
નિકટમાં જ ધર્મ શ્રવણ કરવો યોગ્ય છે, અથવા એ સુગુરુના જ ઉપદેશને કહેવાવાળા
ઉચિત શ્રદ્ધાળુ શ્રાવકના મુખથી ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે. એવો ધર્મબુદ્ધિવાન વક્તા
ઉપદેશદાતા હોય તે જ પોતાનું અને અન્ય જીવોનું ભલું કરે છે. પણ જે કષાયબુદ્ધિ
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૧૭
3
૧.આ ગ્રંથમાં કેટલેક સ્થળે ‘પદ્ધતિબુદ્ધિ’ શબ્દ આવે છે. તેનો અર્થ — પદ્ધતિ એટલે, પરંપરા યા
રીતરિવાજ તેને અનુસરવાને ટેવાયેલી બુદ્ધિ એવો સમજવો જોઈએ.