૩૩૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
એ કારણોને મેળવે, તેમાં ઘણા જીવોને તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ, કોઈને ન થાય તો
ન પણ થાય, પરંતુ તેણે તો પોતાનાથી બને તે ઉપાય કરવો.
એ પ્રમાણે સમ્યક્ત્વનું લક્ષણનિર્દેશ કર્યું.
પ્રશ્નઃ — સમ્યક્ત્વનાં લક્ષણ તો અનેક પ્રકારનાં કહ્યાં છે, તેમાં તમે તત્ત્વાર્થ -
શ્રદ્ધાન-લક્ષણને જ મુખ્ય કહ્યું તેનું શું કારણ?
ઉત્તરઃ — તુચ્છબુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી વા ભ્રમ
ઊપજે છે તથા આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ
ઊપજતો નથી, તેથી એ લક્ષણને મુખ્ય કર્યું છે. એ અહીં દર્શાવીએ છીએ —
દેવ – ગુરુ – ધર્મના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે અરહંતદેવાદિકને માનવા,
અન્યને ન માનવા — એટલું જ સમ્યક્ત્વ છે, પણ ત્યાં જીવ – અજીવનું વા બંધ – મોક્ષના
કારણકાર્યનું સ્વરૂપ ભાસે નહિ તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય નહિ; વા જીવાદિનું
શ્રદ્ધાન થયા વિના માત્ર એ જ શ્રદ્ધાનમાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માને, વા કુદેવાદિ
પ્રત્યે દ્વેષ તો રાખે પણ અન્ય રાગાદિ છોડવાનો ઉદ્યમ ન કરે, એવો ભ્રમ ઊપજે.
વળી સ્વ – પરના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે છે કે સ્વ – પરનું જાણવું જ
કાર્યકારી છે અને તેનાથી જ સમ્યક્ત્વ થાય છે. પણ ત્યાં આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી
અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા આસ્રવાદિનું શ્રદ્ધાન થયા વિના
માત્ર એટલું જ જાણવામાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની સ્વચ્છંદી થઈ રાગાદિ છોડવાનો
ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઊપજે.
તથા આત્મશ્રદ્ધાનલક્ષણમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે — એક આત્માનો જ વિચાર
કાર્યકારી છે અને તેનાથી જ સમ્યક્ત્વ થાય છે, પણ ત્યાં જીવ – અજીવાદિના વિશેષો વા
આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી,
વા જીવાદિના વિશેષોનું અને આસ્રવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ વિચારથી
પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની સ્વચ્છંદી બની રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, તેને પણ એવો
જ ભ્રમ ઊપજે છે.
એમ જાણી એ લક્ષણોને મુખ્ય કર્યાં નહિ.
અને તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં જીવ – અજીવાદિ વા આસ્રવાદિનું શ્રદ્ધાન થાય છે, ત્યાં તે
સર્વનું સ્વરૂપ જો બરાબર ભાસે તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય, તથા એ શ્રદ્ધાન થતાં
સમ્યક્ત્વી થાય છે પણ એ સંતુષ્ટ થતો નથી. આસ્રવાદિનું શ્રદ્ધાન થવાથી રાગાદિક છોડી
મોક્ષનો ઉદ્યમ રાખે છે. એ પ્રમાણે તેને ભ્રમ ઊપજતો નથી માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય
કર્યું છે.