૩૩૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
શ્રદ્ધાનને પરંપરા કારણભૂત છે, જોકે તે નિયમરૂપ કારણ નથી તોપણ મુખ્યપણે કારણ છે
અને કારણમાં કાર્યનો ઉપચાર સંભવે છે, તેથી મુખ્યરૂપ પરંપરા કારણની અપેક્ષાએ
મિથ્યાદ્રષ્ટિને પણ વ્યવહારસમ્યક્ત્વ કહીએ છીએ.
પ્રશ્નઃ — કેટલાંક શાસ્ત્રોમાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનને વા તત્ત્વશ્રદ્ધાનને તો
વ્યવહાર-સમ્યક્ત્વ કહ્યું છે તથા સ્વ – પરના શ્રદ્ધાનને વા કેવળ આત્માના શ્રદ્ધાનને
નિશ્ચયસમ્યક્ત્વ કહ્યું છે તે કેવી રીતે?
ઉત્તરઃ — દેવ – ગુરુ – ધર્મના શ્રદ્ધાનમાં તો પ્રવૃત્તિની મુખ્યતા છે; જે પ્રવૃત્તિમાં
અરહંતાદિને દેવાદિક માને અન્યને ન માને તેને દેવાદિકનો શ્રદ્ધાની કહીએ છીએ. તથા
તત્ત્વશ્રદ્ધાનમાં તેને વિચારની મુખ્યતા છે; જે જ્ઞાનમાં જીવાદિતત્ત્વોને વિચારે છે તેને તત્ત્વ -
શ્રદ્ધાની કહીએ છીએ. એ પ્રમાણે ત્યાં મુખ્યતા હોય છે. એ બંને કોઈ જીવને તો સમ્યક્ત્વનાં
કારણ થાય છે પરંતુ તેનો સદ્ભાવ મિથ્યાદ્રષ્ટિને પણ સંભવે છે તેથી તેને વ્યવહારસમ્યક્ત્વ
કહ્યાં છે.
વળી સ્વ – પરના શ્રદ્ધાનમાં વા આત્મશ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશરહિતપણાની મુખ્યતા
છે. અર્થાત્ જે સ્વ – પરનું ભેદવિજ્ઞાન કરે વા પોતાના આત્માને અનુભવે તેને મુખ્યપણે
વિપરીતાભિનિવેશ હોય નહિ, તેથી ભેદવિજ્ઞાનીને વા આત્મજ્ઞાનીને સમ્યગ્દ્રષ્ટિ કહીએ છીએ.
એ પ્રમાણે સ્વ – પરનું શ્રદ્ધાન વા આત્મશ્રદ્ધાન સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, તેથી તેને
નિશ્ચયસમ્યક્ત્વ કહ્યું.
આ કથન મુખ્યતાની અપેક્ષાએ છે પણ તારતમ્યપણે એ ચારે લક્ષણ મિથ્યાદ્રષ્ટિને
આભાસમાત્ર હોય છે તથા સમ્યગ્દ્રષ્ટિને સાચાં હોય છે. ત્યાં આભાસમાત્ર છે તે તો
નિયમરહિત સમ્યક્ત્વનાં પરંપરા કારણ છે તથા સાચાં છે તે નિયમરૂપ સાક્ષાત્ કારણ છે તેથી
તેને વ્યવહારરૂપ કહીએ છીએ. એના નિમિત્તથી જે વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન થયું તે
નિશ્ચયસમ્યક્ત્વ છે, એમ જાણવું.
પ્રશ્નઃ — કેટલાંક શાસ્ત્રોમાં લખ્યું છે કે — ‘આત્મા છે તે જ નિશ્ચયસમ્યક્ત્વ
છે, અન્ય બધો વ્યવહાર છે’ — તે કેવી રીતે?
ઉત્તરઃ — વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન થયું તે આત્માનું જ સ્વરૂપ છે. ત્યાં
અભેદબુદ્ધિથી આત્મા અને સમ્યક્ત્વમાં ભિન્નતા નથી તેથી નિશ્ચયથી આત્માને જ સમ્યક્ત્વ
કહ્યું, અન્ય સર્વ સમ્યક્ત્વ તો નિમિત્તમાત્ર છે. અથવા ભેદકલ્પના કરતાં આત્મા અને સમ્યક્ત્વને
ભિન્નતા કહેવામાં આવે છે, તેથી અન્ય બધો વ્યવહાર કહ્યો છે, એમ જાણવું.
આ પ્રકારે નિશ્ચયસમ્યક્ત્વ તથા વ્યવહારસમ્યક્ત્વ દ્વારા સમ્યક્ત્વના બે ભેદ થાય છે.