નવમો અધિકાર ][ ૩૪૧
નિયમ કોઈ આચાર્ય લખે છે અને કોઈ નથી લખતા. બીજું ક્ષયોપશમસમ્યક્ત્વમાં કોઈ જીવને
અપ્રશસ્ત ઉપશમ થાય છે વા કોઈને વિસંયોજન થાય છે, તથા ક્ષાયિકસમ્યક્ત્વ છે તે પહેલાં
અનંતાનુબંધીનું વિસંયોજન થયા પછી જ થાય છે એમ જાણવું.
અહીં આટલું વિશેષ કે — ઉપશમ અને ક્ષયોપશમસમ્યગ્દ્રષ્ટિને તો અનંતાનુબંધીના
વિસંયોજનથી સત્તાનો નાશ થયો હતો પણ જો તે ફરીને મિથ્યાત્વમાં આવે તો અનંતાનુબંધીનો
બંધ કરે ત્યાં ફરીથી તેની સત્તાનો સદ્ભાવ થાય છે, અને ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ મિથ્યાત્વમાં
આવતો જ નથી તેથી તેને અનંતાનુબંધીની સત્તા કદી પણ હોતી નથી.
પ્રશ્નઃ — અનંતાનુબંધી તો ચારિત્રમોહનીયની પ્રકૃતિ છે, તે ચારિત્રનો ઘાત
કરે; પણ એ વડે સમ્યક્ત્વનો ઘાત કેવી રીતે સંભવે?
ઉત્તરઃ — અનંતાનુબંધીના ઉદયથી ક્રોધાદિરૂપ પરિણામ થાય છે પણ કાંઈ અતત્ત્વ -
શ્રદ્ધાન થતું નથી, માટે અનંતાનુબંધી ચારિત્રનો જ ઘાત કરે છે પણ સમ્યક્ત્વને ઘાતતી નથી;
પરમાર્થથી તો એમ જ છે, પરંતુ અનંતાનુબંધીના ઉદયથી જેવા ક્રોધાદિક થાય છે તેવા ક્રોધાદિક
સમ્યક્ત્વના સદ્ભાવમાં થતા નથી એવું તેમાં નિમિત્ત – નૈમિત્તિકપણું હોય છે. જેમ – ત્રસપણાની
ઘાતક તો સ્થાવરપ્રકૃતિ જ છે પરંતુ ત્રસપણાના સદ્ભાવમાં એકેન્દ્રિયજાતિ પ્રકૃતિનો પણ ઉદય
થતો નથી તેથી ઉપચારથી એકેન્દ્રિયપ્રકૃતિને પણ ત્રસપણાની ઘાતક કહીએ તો ત્યાં દોષ નથી; તેમ
સમ્યક્ત્વનો ઘાતક તો દર્શનમોહ છે, પરંતુ સમ્યક્ત્વના સદ્ભાવમાં અનંતાનુબંધી કષાયોનો પણ
ઉદય થતો નથી તેથી ઉપચારથી અનંતાનુબંધીને પણ સમ્યક્ત્વનું ઘાતકપણું કહીએ તો દોષ નથી.
પ્રશ્નઃ — જો અનંતાનુબંધી પણ ચારિત્રને જ ઘાતે છે તો તેનો અભાવ થતાં
કંઈક ચારિત્ર થયું કહો, પણ અસંયતગુણસ્થાનમાં અસંયમ શા માટે કહો છો?
ઉત્તરઃ — અનંતાનુબંધી આદિ ભેદ છે તે કષાયોની તીવ્ર – મંદતાની અપેક્ષાએ નથી,
કારણ કે – મિથ્યાદ્રષ્ટિને તીવ્રકષાય થતાં વા મંદકષાય થતાં પણ અનંતાનુબંધી આદિ ચારે
કષાયોનો ઉદય યુગપત્ હોય છે, અને ત્યાં ચારેયના ઉત્કૃષ્ટ સ્પર્ધક સમાન કહ્યા છે.
એટલું વિશેષ છે કે — અનંતાનુબંધીની સાથે અપ્રત્યાખ્યાનાવરણાદિ જેવો તીવ્ર ઉદય
હોય છે તેવો તેના ગયા પછી હોતો નથી, તથા એ જ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણની સાથે
પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો જેવો ઉદય હોય છે તેવો તેના ગયા પછી હોતો નથી, તથા
પ્રત્યાખ્યાનની સાથે જેવો સંજ્વલનનો ઉદય હોય છે તેવો એકલા સંજ્વલનનો ઉદય હોતો નથી,
માટે અનંતાનુબંધી ગયા પછી કંઈક કષાયોની મંદતા તો થાય છે પરંતુ એવી મંદતા થતી નથી
કે જેથી કોઈ ચારિત્ર નામ પામે, કારણ કે — કષાયોનાં અસંખ્યાત લોકપ્રમાણ સ્થાન છે, તેમાં
સર્વત્ર પૂર્વસ્થાનથી ઉત્તરસ્થાનમાં મંદતા હોય છે પરંતુ વ્યવહારથી તે સ્થાનોમાં ત્રણ મર્યાદા
કરી; પ્રથમનાં ઘણાં સ્થાન તો અસંયમરૂપ કહ્યાં, પછી કેટલાંક દેશસંયમરૂપ કહ્યાં અને પછી