સમાધિમરણનું સ્વરૂપ ][ ૩૪૫
પરિશિષ્ટ ૧
સમાધિામરણનું સ્વરુપ
[ પંડિતપ્રવર ટોડરમલજીના સુપુત્ર પંડિત ગુમાનીરામજીએ રચેલું ]
[આચાર્ય પંડિત ટોડરમલજીના સહાધ્યાયી અને ધર્મપ્રભાવનામાં ઉત્સાહપ્રેરક બ્ર.
રાજમલજી કૃત ‘‘જ્ઞાનાનંદ નિર્ભર નિજરસ શ્રાવકાચાર’’ નામના ગ્રંથમાંથી આ અધિકાર બહુ
સુંદર જાણીને આત્મધર્મના અંક ૨૫૩ – ૫૪માં લીધો હતો. તેમાંથી જ શરૂઆતનો અંશ અહીં
આપવામાં આવે છે.]
હે ભવ્ય! તું સાંભળ! હવે સમાધિમરણનું લક્ષણ વર્ણવવામાં આવે છે. સમાધિમરણ
નામ *નિઃકષાયભાવનું છે, શાંત પરિણામોનું છે; ભેદવિજ્ઞાન સહિત, કષાયરહિત શાંતિ
પરિણામપૂર્વક મરણ થવું તે સમાધિમરણ છે. સંક્ષિપ્તપણે સમાધિમરણનું આ જ વર્ણન છે.
વિશેષ કથન આગળ કરીએ છીએ.
સમ્યગ્જ્ઞાની જીવનો એ સહજ સ્વભાવ જ છે કે તે સમાધિમરણની જ ઇચ્છા કરે
છે, તેને હંમેશાં એ જ ભાવના રહે છે. અંત સમયે મરણ નજદીક આવતાં તે એવી રીતે
સાવધાન થાય છે જેમ તે સૂતેલો સિંહ સાવધાન થાય છે — કે જેને કોઈ મનુષ્ય પડકારે છે
કે, ‘‘હે સિંહ! તારા ઉપર દુશ્મનોની સેના આક્રમણની તૈયારી કરી રહી છે, તું પુરુષાર્થ કર
અને ગુફામાંથી બહાર નીકળ. જ્યાં સુધી દુશ્મનોની સેના દૂર છે ત્યાં સુધીમાં તું તૈયાર થઈ
જા અને શત્રુની સેનાને જીતી લે. મહાન પુરુષોની એ જ પદ્ધતિ છે કે તે શત્રુના જાગવા
પહેલાં જ તૈયાર રહે છે.’’
તે પુરુષના આવા વચન સાંભળીને સિંહ તરત જ ઉઠ્યો અને તેણે એવી ગર્જના કરી
જાણે કે અષાઢ માસમાં મેઘરાજાએ જ ગર્જના કરી હોય.
મૃત્યુને સમીપ જાણીને સમ્યગ્જ્ઞાની પુરુષ સિંહની જેમ સાવધાન થાય છે અને
કાયરતાનો દૂરથી જ ત્યાગ કરે છે.
સમ્યગ્દ્રષ્ટિ કેવો છે?
તેના હૃદયમાં આત્માનું સ્વરૂપ દેદીપ્યમાન પ્રગટપણે પ્રતિભાસે છે. તે જ્ઞાનજ્યોતિથી
આનંદરસથી પરિપૂર્ણ છે. તે પોતાને સાક્ષાત્ પુરુષાકાર, અમૂર્તિક, ચૈતન્યધાતુનો પિંડ, અનંત
* ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે.