ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી ][ ૩૬૫
સંક્લેશતાથી અશુભ બંધ; એ તો હું પણ માનું છું. પરંતુ એમાં બીજો ભેદ છે તે સાંભળ —
અશુભપદ્ધતિ અધોગતિનું પરિણમન છે તથા શુભપદ્ધતિ ઊર્ધ્વગતિનું પરિણમન છે; તેથી અધોરૂપ
સંસાર અને ઊર્ધ્વરૂપ મોક્ષસ્થાન છે એમ સ્વીકાર તેમાં શુદ્ધતા આવી એમ માન, માન એમાં
નુકસાન નથી. વિશુદ્ધતા સદાકાળ મોક્ષનો માર્ગ છે, પરંતુ ગ્રંથિભેદ વિના શુદ્ધતાનું જોર ચાલતું
નથી ને?
જેમ કોઈ પુરુષ નદીમાં ડૂબકી મારે, ફરી ઊછળે ત્યારે દૈવયોગે તે પુરુષની ઉપર નૌકા
આવી જાય તો જોકે તે પુરુષ તારો (તરનારો) છે તોપણ કેવી રીતે નીકળે? તેનું જોર ચાલે
નહિ; ઘણો કલબલ કરે પણ કાંઈ વશ ચાલતું નથી. આમ વિશુદ્ધતાની પણ ઊર્ધ્વતા જાણવી;
તે માટે ગર્ભિત શુદ્ધતા કહી. ગ્રંથિભેદ થતાં એ ગર્ભિત શુદ્ધતા મોક્ષમાર્ગ તરફ ચાલી, પોતાના
સ્વભાવવડે વર્ધમાનરૂપ થઈ ત્યારે તે પૂર્ણ યથાખ્યાતરૂપ પ્રગટ કહેવાઈ. વિશુદ્ધતાની પણ જે
ઊર્ધ્વતા એ જ તેની શુદ્ધતા.
અને સાંભળ — જ્યાં મોક્ષમાર્ગ સાધ્યો ત્યાં કહ્યું કે — ‘सम्यग्दर्शनज्ञानचारित्राणिमोक्षमार्गः’
તથા એમ પણ કહ્યું છે કે ‘ज्ञानक्रियाभ्याम् मोक्षः’।
તે સંબંધી વિચારઃ — ચોથા ગુણસ્થાનથી માંડી ચૌદમા ગુણસ્થાનપર્યંત મોક્ષમાર્ગ કહ્યો
તેનું વિવરણ — સમ્યક્રૂપ જ્ઞાનધારા, વિશુદ્ધરૂપ ચારિત્રધારા — એ બન્ને ધારા મોક્ષમાર્ગ તરફ
ચાલી, ત્યાં જ્ઞાનવડે જ્ઞાનની શુદ્ધતા અને ક્રિયાવડે ક્રિયાની (ચારિત્રની) શુદ્ધતા છે. (અહીં
પરિણતિની સ્થિરતારૂપ ક્રિયા સમજવી). જો વિશુદ્ધતામાં શુદ્ધતા છે તો (ક્રમશઃ) યથાખ્યાત
ચારિત્રરૂપ થાય છે, જો વિશુદ્ધતામાં શુદ્ધતાનો અંશ ન હોત તો કેવળીમાં જ્ઞાનગુણ શુદ્ધ હોત
અને ક્રિયા (પરિણતિ) અશુદ્ધ રહેત, પણ એમ તો નથી. (તેથી સિદ્ધ થાય છે કે) તેમાં
(વિશુદ્ધતામાં) શુદ્ધતા હતી તેનાથી વિશુદ્ધતા થઈ છે.
અહીં કોઈ કહે કે જ્ઞાનની શુદ્ધતા વડે ક્રિયા શુદ્ધ થઈ; પણ એમ નથી. કોઈ ગુણ
અન્ય ગુણના આધારથી નથી, સર્વ અસહાયરૂપ છે.
વળી સાંભળ! જો ક્રિયાપદ્ધતિ સર્વથા અશુદ્ધ હોત તો અશુદ્ધતાની એટલી શક્તિ નથી
કે તે મોક્ષમાર્ગ તરફ ગતિ કરે. માટે વિશુદ્ધતામાં યથાખ્યાત ચારિત્રનો અંશ છે તેથી તે અંશ
ક્રમશઃ પૂર્ણ થયો.
હે ભાઈ! તેં વિશુદ્ધતામાં શુદ્ધતા માની કે નહિ? જો તેં તેને માની તો કાંઈ અન્ય
કહેવાનું કાર્ય નથી, જો તેં નથી માની તો તારું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું છે ત્યાં અમે શું
કરીએ? જો માને તો શાબાશ!
એ દ્રવ્યાર્થિકની ચૌભંગી પૂર્ણ થઈ.