તે શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે — અક્ષરાત્મક તથા અનક્ષરાત્મક. ત્યાં જેમ ‘‘ઘટ’’
એ બે અક્ષર સાંભળ્યા વા દીઠા તે તો મતિજ્ઞાન થયું. હવે તેના સંબંધથી ઘટ પદાર્થનું
જાણવું થયું તે શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ જાણવું. એ તો અક્ષરાત્મક શ્રુતજ્ઞાન
છે. વળી જેમ સ્પર્શ વડે ઠંડકનું જાણવું થયું તે તો મતિજ્ઞાન છે અને તેના સંબંધથી ‘‘આ હિતકારી
નથી, તેથી ચાલ્યા જવું’’ ઇત્યાદિરૂપ જ્ઞાન થયું તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય
પણ સમજવું. હવે એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને તો અનક્ષરાત્મક જ શ્રુતજ્ઞાન હોય છે તથા
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને બંને જ્ઞાન હોય છે. એ શ્રુતજ્ઞાન છે તે અનેક પ્રકારથી પરાધીન એવા
મતિજ્ઞાનને પણ આધીન છે, વા અન્ય અનેક કારણોને આધીન છે તેથી મહાપરાધીન જાણવું.
✾ અવધિાજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રવૃત્તિ ✾
વળી પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્ર – કાળના પ્રમાણપૂર્વક રૂપી પદાર્થોને જે વડે સ્પષ્ટપણે
જાણવામાં આવે તે અવધિજ્ઞાન છે. એ જ્ઞાન દેવો અને નારકીઓમાં તો સર્વને હોય છે
તથા સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્યોમાં પણ કોઈ કોઈને હોય છે અને અસંજ્ઞી સુધીના જીવોને
તો આ જ્ઞાન હોતું જ નથી. હવે આ જ્ઞાન પણ શરીરાદિક પુદ્ગલોને આધીન છે. અવધિજ્ઞાનના
ત્રણ ભેદ છે – દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. એ ત્રણેમાં થોડા ક્ષેત્ર – કાળની મર્યાદાપૂર્વક
કિંચિત્માત્ર રૂપી પદાર્થને જાણવાવાળું દેશાવધિજ્ઞાન છે, તે કોઈક જીવને હોય છે, તથા પરમાવધિ,
સર્વાવધિ અને મનઃપર્યય એ ત્રણ જ્ઞાન મોક્ષમાર્ગમાં જ પ્રગટે છે. કેવલજ્ઞાન મોક્ષસ્વરૂપ છે, તેથી
આ અનાદિ સંસારઅવસ્થામાં તેનો સદ્ભાવ જ નથી. એ પ્રમાણે જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે.
✾ ચક્ષુ – અચક્ષુદર્શનની પ્રવૃત્તિ ✾
વળી ઇન્દ્રિય વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતાં પ્રથમ કાળમાં, મતિજ્ઞાન પહેલાં
જે સત્તામાત્ર અવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ ચક્ષુદર્શન વા અચક્ષુદર્શન છે. ત્યાં
નેત્રઇન્દ્રિયવડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુદર્શન છે, તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જ
હોય છે, તથા સ્પર્શન, રસના, ઘ્રાણ અને શ્રોત્ર — એ ચાર ઇન્દ્રિય તથા મન દ્વારા જે દર્શન
થાય તેનું નામ અચક્ષુદર્શન છે. તે યથાયોગ્ય એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. વળી અવધિને
વિષયોનો સંબંધ થતાં અવધિજ્ઞાન પહેલાં જે સત્તામાત્રઅવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ
અવધિદર્શન છે. જેને અવધિજ્ઞાન હોય તેને જ આ અવધિદર્શન હોય છે. ચક્ષુ, અચક્ષુ અને
૧અવધિદર્શન છે તે મતિજ્ઞાન – અવધિજ્ઞાનવત્ પરાધીન જાણવાં થતાં કેવલદર્શન મોક્ષસ્વરૂપ છે
તેનો અહીં સદ્ભાવ જ નથી. એ પ્રમાણે દર્શનનો સદ્ભાવ હોય છે.
૧. શ્રુતદર્શન અને મનઃપર્યયદર્શન હોતા નથી કેમકે શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે (તત્ત્વાર્થસૂત્ર અ૦
૧ સૂત્ર ૨૨). તથા મનઃપર્યય જ્ઞાન મતિજ્ઞાનના ભેદરૂપ ઇહામતિજ્ઞાનપૂર્વક થાય છે (દ્રવ્યસંગ્રહ ગા૦ ૪૪
ની સં૦ ટીકા) મતિજ્ઞાન દર્શનોપયોગપૂર્વક થાય છે તેથી શ્રુતદર્શન અને મનઃપર્યયદર્શન — એવા બે ભેદ
દર્શનોપયોગમાં હોઈ શકે નહિ.
૩૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક