જ્યારે ભય નોકષાય ઊપજે ત્યારે કોઈ અન્યનાં ઇષ્ટ વિયોગ – અનિષ્ટ સંયોગનાં કારણો
જાણી ડરવા લાગે, અતિ વિહ્વલ બની ત્યાંથી ભાગે, છૂપાય વા શિથિલ થઈ જાય, દુઃખ થવાના
જ ઠેકાણે પ્રાપ્ત થાય વા મરણ પામે, તેથી એ ભય નોકષાય પણ દુઃખરૂપ જ છે.
જ્યારે જુગુપ્સા નોકષાય ઊપજે ત્યારે અનિષ્ટ વસ્તુની ઘૃણા કરે, જેનો સંયોગ થયો
તેનાથી પોતે ઘૃણા કરી ભાગવા ઇચ્છે — તેને દૂર કરવા ઇચ્છે અને ખેદખિન્ન બની મહાદુઃખી
થાય, તેથી એ જુગુપ્સા નોકષાય પણ દુઃખરૂપ જ છે.
જ્યારે ત્રણ પ્રકારના વેદ નોકષાય ઊપજે ત્યારે કામ ઊપજે છે. ત્યાં પુરુષવેદથી
સ્ત્રીસહિત રમવાની, સ્ત્રીવેદથી પુરુષસહિત રમવાની તથા નપુંસકવેદથી બંનેની સાથે રમવાની
ઇચ્છા થાય છે. એ વડે જીવ અતિ વ્યાકુળ થાય છે. આતાપ ઊપજે છે, નિર્લજ્જ થાય છે,
ધન ખર્ચે છે, અપયશને પણ ગણતો નથી, પરંપરાએ દુઃખી થાય છે તથા દંડાદિક થાય છે તેને
પણ ગણતો નથી. કામપીડાથી બહાવરો બની જાય છે, મરણ પામે છે. રસગ્રંથોમાં કામજન્ય
દશ પ્રકારની અવસ્થાઓ કહી છે ત્યાં કામીનું બહાવરા બની જવું – મરણ થવું પણ લખ્યું છે.
વૈદકશાસ્ત્રોમાં જ્વરના ભેદોમાં એક કામજ્વર પણ મરણનું કારણ કહ્યો છે. કામવડે મરણ
પર્યંતનાં દુઃખો થતાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. કામાંધને કાંઈ વિચાર જ રહેતો નથી. પિતા,
પુત્રી, મનુષ્ય કે તિર્યંચણી ઇત્યાદિથી પણ તે રમવા લાગી જાય છે. એવી કામની પીડા છે તે
મહાદુઃખરૂપ છે.
એ પ્રમાણે કષાયો વા નોકષાયો વડે અવસ્થાઓ થાય છે.
અહીં એમ વિચાર થાય છે કે જો એ અવસ્થાઓમાં જીવ ન પ્રવર્તે તો એ ક્રોધાદિક
પીડા કરે છે તથા જો એ અવસ્થાઓમાં પ્રવર્તે તો મરણ પર્યંત કષ્ટ થાય છે. હવે મરણ
પર્યંત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કરે છે પણ ક્રોધાકદિની પીડા સહન કરવી કબૂલ કરતો
નથી તેથી એવો નિશ્ચય થાય છે કે મરણાદિકથી પણ એ કષાયોની પીડા અધિક છે.
જ્યારે તેને કષાયનો ઉદય થાય ત્યારે તેનાથી કષાય કર્યા વિના રહ્યું જતું નથી.
કષાયનાં બાહ્ય કારણો મળે તો તેના આશ્રયે કષાય કરે તથા ન મળે તો પોતે જાતે જ કારણ
બનાવે. જેમ વ્યાપારાદિક કષાયના કારણો ન હોય તો જુગારાદિ ખેલવા, ક્રોધાદિના કારણરૂપ
અન્ય અનેક ખેલ – તમાસા કરવા, વા કોઈ દુષ્ટકથા કહેવી – સાંભળવી ઇત્યાદિક કારણ બનાવે
છે. કામ – ક્રોધાદિક પીડા કરે અને શરીરમાં એ રૂપે કાર્ય કરવાની શક્તિ ન હોય તો ઔષધિ
આદિ અન્ય અનેક ઉપાય કરે. એમ છતાં કદાચિત્ કોઈ પણ કારણ બને જ નહિ તો પોતાના
ઉપયોગમાં એ કષાયોના કારણભૂત પદાર્થોનું ચિંતવન કરી પોતે જાતે જ કષાયરૂપ પરિણમે.
એ પ્રમાણે આ જીવ કષાયભાવો વડે પીડિત બની મહાદુઃખી થાય છે.
૫૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક