Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 398

 

background image
સર્વ વિષયોનો અભ્યાસ છોડી ઇંદ્રિયનિગ્રહપણે માત્ર એક તેનો જ અભ્યાસ જાળવી રાખે.
ગોમ્મટસારની જેમ તેના જેવા તેમના અન્ય ટીકાગ્રંથો પણ એવા જ ગહન છે. આ ઉપરથી એ
ગ્રંથોના ભાષાટીકાકાર પુરુષ કેટલી તીક્ષ્ણ બુદ્ધિના ધારક હતા તે સ્વયમેવ તરી આવે છે. તેમણે
પોતાના ટૂંકા જીવનમાં એ મહાન ગ્રંથોની ટીકા લખી છે એટલું જ નહિ પરંતુ એટલા ટૂકા જીવનમાં
સ્વમત-પરમતના સેંકડો ગ્રંથોના પઠન-પાઠન સાથે તેમનું મર્મસ્પર્શી ઊંડું મનન પણ કર્યું છે. અને
એ વાત તેમના રચેલા આ ‘મોક્ષમાર્ગ-પ્રકાશક’ ગ્રંથનું મનન કરવાથી અભ્યાસીને સ્વયં લક્ષમાં આવી
જાય તેમ છે.
ગોમ્મટસાર વગેરે પર તેમણે લખેલા ભાષાટીકાગ્રંથ એટલા ગહન છે કે તેમનો અભ્યાસ
માત્ર વિશેષ બુદ્ધમાન કરી શકે છે; પરંતુ અલ્પ પ્રજ્ઞાવંત જીવો માટે રચેલો તેમનો આ સરળ
દેશભાષામય ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથ એવો અદ્ભુત છે કે જેની રહસ્યપૂર્ણ ગંભીરતા અને
સંકલનાબદ્ધ વિષયરચનાને જોઈ ભલભલા બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ
ગ્રંથનું નિષ્પક્ષ-ન્યાય દ્રષ્ટિથી ગંભીરપણે અવગાહન કરતાં જણાય છે કે
આ કોઈ સાધારણ ગ્રંથ
નથી પરંતુ એક અતિ ઉચ્ચ કોટિનો મહત્ત્વપૂર્ણ અનોખો ગ્રંથરાજ છે અને તેના રચયિતા પણ અનેક
આગમોના મર્મજ્ઞ તથા અસાધારણ પ્રતિભાસંપન્ન વિદ્વાન છે. ગ્રંથના વિષયોનું પ્રતિદાન સર્વને
હિતકારક છે અને મહાન ગંભીર આશયપૂર્વક થયું છે.
આ ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથમાં નવ અધિકાર છે. તેમાં નવમો અધિકાર અપૂર્ણ છે, શેષ
આઠ અધિકાર પોતાના વિષયનિરૂપણમાં પરિપૂર્ણ છે. પહેલા અધિકારમાં મંગલાચરણ કરી તેનું
પ્રયોજન બતાવીને પછી ગ્રંથની પ્રમાણિકતાનું દિગ્દર્શન કરાવ્યું છે; ત્યાર પછી શ્રવણ-પઠન કરવાયોગ્ય
શાસ્ત્રના વક્તા તેમ જ શ્રોતાનું સ્વરૂપનું સપ્રમાણ વિવેચન કરીને ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથની સાર્થકતા
બતાવી છે.
બીજા અધિકારમાં સંસાર-અવસ્થાના સ્વરૂપનું સામાન્ય દિગ્દર્શન કરાવ્યું છે. તેમાં કર્મબંધન-
નિદાન, નૂતન બંધ વિચાર, કર્મ અને જીવનો અનાદિ સંબંધ, અમૂર્તિક આત્મા સાથે મૂર્તિક કર્મોનો
સંબંધ, તે કર્મોના ‘ઘાતિ-અઘાતિ’ એવા ભેદ, યોગ અને કષાયથી થનાર યથાયોગ્ય કર્મબંધનો નિર્દેશ,
જડ પુદ્ગલ પરમાણુઓનાં યથાયોગ્ય કર્મપ્રકૃતિરૂપ પરિણમનનો ઉલ્લેખ કરીને ભાવોથી પૂર્વબદ્ધ
કર્મોની અવસ્થામાં થનારા પરિવર્તનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથેસાથ કર્મોનાં ફલદાનમાં
નિમિત્ત-નૈમિત્તિકસંબંધ અને ભાવકર્મ-દ્રવ્યકર્મનું સ્વરૂપ પણ બતાવ્યું છે.
ત્રીજા અધિકારમાં સંસારદુઃખ અને મોક્ષસુખનું નિરૂપણ કરતાં સમસ્ત દુઃખોના મૂળ
કારણભૂત મિથ્યાત્વના પ્રભાવનું કથન કરવામાં આવ્યું છે, વિષયોની અભિલાષાજનક મોહથી ઉત્પન્ન
થતા દુઃખને તથા મોહી જીવના દુઃખનિવૃત્તિના ઉપાયને નિઃસાર બતાવીને દુઃખનિવૃત્તિનો સાચો
ઉપાય બતાવ્યો છે, દર્શનમોહ તથા ચારિત્રમોહના ઉદયથી થતા દુઃખનો અને તેની નિવૃત્તિનો ઉલ્લેખ
કરવામાં આવ્યો છે. એકેન્દ્રિયાદિક જીવોનાં દુઃખનું વર્ણન કરીને નરકાદિ ચારેય ગતિઓનાં ઘોર
કષ્ટ અને તેમને દૂર કરવાના સામાન્ય-વિશેષ ઉપાયોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે.
(૬)