વળી શાતાવેદનીયનું કોઈ નિમિત્ત ત્યાં નથી, છતાં કોઈ અંશે કદાચિત્ કોઈને પોતાની
માન્યતાથી કોઈ કારણ અપેક્ષાએ શાતાનો ઉદય છે, પણ તે બળવાન નથી. ત્યાંનું આયુષ્ય
ઘણું દીર્ઘ છે. જઘન્ય દશ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરનું હોય છે. એટલો બધો
કાળ ઉપર કહેલાં દુઃખો તેમને સહન કરવાં પડે છે. નામકર્મમાં બધી પાપ – પ્રકૃતિઓનો જ
તેમને ઉદય વર્તે છે. એક પણ પુણ્ય – પ્રકૃતિનો ઉદય નથી જેથી તેઓ મહાદુઃખી છે. અને
ગોત્રકર્મમાં માત્ર નીચગોત્રનો જ તેમને ઉદય છે જેથી તેમની કાંઈ પણ મહત્તા થતી નથી
માટે તેઓ દુઃખી જ છે. એ પ્રમાણે નરકગતિમાં મહાદુઃખ છે.
✾ તિર્યંચ અવસ્થાનાં દુઃખોનું વર્ણન ✾
તિર્યંચગતિમાં ઘણા જીવો તો લબ્ધિઅપર્યાપ્ત છે. તેમને તો ઉચ્છ્વાસના અઢારમા ભાગ
માત્ર આયુષ્ય છે. કેટલાક નાના (ઝીણા) જીવો પર્યાપ્ત પણ હોય છે. પણ તેમની શક્તિ પ્રગટ
જણાતી નથી. તેમનાં દુઃખો તો એકેન્દ્રિય જેવાં જ જાણવાં. વિશેષમાં જ્ઞાનાદિકની તેમનામાં
વિશેષતા છે. વળી મોટા પર્યાપ્ત જીવોમાં કેટલાક સન્મૂર્છન છે તથા કેટલાક ગર્ભજ છે.
તેઓમાં જ્ઞાનાદિક પ્રગટ હોય છે, પણ તેઓ વિષયોની ઇચ્છા વડે સદા વ્યાકુળ હોય છે,
કારણ કે ઘણા જીવોને તો ઇષ્ટ વિષયોની પ્રાપ્તિ હોતી જ નથી, પણ કોઈને કદાચિત્
કિંચિત્માત્ર હોય છે.
વળી તેઓ મિથ્યાત્વભાવવડે અતત્ત્વશ્રદ્ધાવાળા બની રહ્યા છે. કષાયમાં મુખ્યપણે
તીવ્રકષાય જ તેમને હોય છે. ક્રોધ – માનવડે તેઓ પરસ્પર લડે છે, ભક્ષણ કરે છે તથા દુઃખ
આપે છે. માયા – લોભવડે તેઓ છળ – પ્રપંચ કરે છે, વસ્તુની ઇચ્છા કરે છે તથા ઇચ્છિત વસ્તુને
ચોરે છે. હાસ્યાદિક વડે તે તે કષાયોનાં કાર્યોમાં પ્રવર્તે છે. વળી કોઈને કદાચિત્ મંદ કષાય
હોય છે પરંતુ થોડા જીવોને હોય છે તેથી તેમની અહીં મુખ્યતા નથી.
વેદનીયમાં મુખ્યપણે તેમને અશાતાવેદનીયનો ઉદય હોય છે, જેથી તેમને રોગ, પીડા,
ક્ષુધા, તૃષા, છેદન, ભેદન, બહુભારવહન, ટાઢ, તાપ અને અંગભંગાદિ અવસ્થાઓ થાય છે તે
વડે દુઃખી થતા પ્રત્યક્ષ જોઈએ છીએ. માટે અહીં ઘણું કહેતા નથી. વળી કોઈને કદાચિત્ કિંચિત્
શાતાવેદનીયનો પણ ઉદય હોય છે, પરંતુ એ થોડા જીવોને હોય છે તેથી અહીં તેની મુખ્યતા
નથી. તેમનું આયુષ્ય અંતર્મુહૂર્તથી કોટીપૂર્વ સુધીનું હોય છે. ત્યાં ઘણા જીવો તો અલ્પઆયુષ્યના
ધારક હોય છે તેથી તેઓ વારંવાર જન્મ – મરણનાં દુઃખ પામે છે. વળી ભોગભૂમિના જીવોનું
આયુષ્ય ઘણું હોય છે તથા તેમને શાતાવેદનીયનો ઉદય પણ હોય છે, પરંતુ એવા જીવો થોડા
છે. નામકર્મમાં મુખ્યપણે તિર્યંચગતિ આદિ પાપ પ્રકૃતિઓનો જ તેમને ઉદય વર્તે છે. કોઈને
કદાચિત્ કોઈ પુણ્ય – પ્રકૃતિઓનો પણ ઉદય હોય છે. પરંતુ તે થોડા જીવોને અને થોડો હોય છે
તેથી અહીં તેની મુખ્યતા નથી. ગોત્રકર્મમાં એક નીચ ગોત્રનો જ ઉદય હોય છે તેથી તેઓ હીન
બની રહ્યા છે. એ પ્રમાણે તિર્યંચગતિમાં પણ મહાદુઃખ હોય છે.
૬૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક