Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 59 of 655
PDF/HTML Page 114 of 710

 

પ૬] [મોક્ષશાસ્ત્ર

અનુક્ત–ઉક્ત–સફેદ-કાળા અથવા સફેદ-પીળા આદિ રંગોની મેળવણી કરતા કોઈ પુરુષને દેખીને ‘તે આ પ્રકારના રંગોને મેળવીને અમુક પ્રકારનો રંગ તૈયાર કરવાનો છે.’-એમ, વિશુદ્ધિના બળથી કહ્યા વિના જ જાણી લે છે? તે સમયે તેને ‘અનુક્ત’ પદાર્થનો અવગ્રહ થાય છે; અથાવ-

બીજા દેશમાં બનેલા કોઈ પચરંગી પદાર્થને કહેતી વખતે, કહેનાર પુરુષ કહેવાનો પ્રયત્ન જ કરી રહ્યો છે, પણ તેના કહ્યા પહેલાં જ, વિશુદ્ધિના બળથી જીવ જે સમયે તે વસ્તુના પાંચ રંગોને જાણી લે છે તે સમયે તેને પણ ‘અનુક્ત’ પદાર્થનો અવગ્રહ થાય છે.

વિશુદ્ધિની મંદતાને કારણે પચરંગી પદાર્થને કહેવાથી જે સમયે જીવ પાંચ રંગોને જાણે છે ત્યારે તેને ‘ઉક્ત’ પદાર્થનો અવગ્રહ થાય છે.

ધ્રુવ–અધ્રુવ–સંકલેશ પરિણામ રહિત અને યથાયોગ્ય વિશુદ્ધતા સહિત જીવ જેમ પહેલામાં પહેલો રંગને જે જે પ્રકારે ગ્રહણ કરે છે તે જ પ્રકારે નિશ્ચળરૂપથી કાંઈક કાળ તેવા રંગને ગ્રહણ કરવાનું બન્યું રહે છે, કાંઈ પણ ઓછું-વધારે થતું નથી, તે વખતે તેને ‘ધ્રુવ’ પદાર્થનો અવગ્રહ થાય છે.

વારંવાર થતા સંકલેશ પરિણામ અને વિશુદ્ધિ પરિણામોને કારણે જીવને જે વખતે કાંઈક આવરણ રહે છે અને કાંઈક ઉઘાડ પણ રહે છે તથા ઉઘાડ કંઈક ઉત્કૃષ્ટ કંઈક અનુત્કૃષ્ટ એવી બે દશા રહે છે ત્યારે, જે સમયે કાંઈક હીનતા અને કાંઈક અઘિકતાને કારણે ચલ-વિચલપણું રહે છે તે સમયે તેને ‘અધ્રુવ’ અવગ્રહ થાય છે. અથવા-

કૃષ્ણ આદિ ઘણા રંગોને જાણવા અથવા એક રંગને જાણવો, બહુવિધ રંગોને જાણવા કે એકવિધ રંગને જાણવો, જલદી રંગને જાણવા કે ઢીલથી જાણવા, અનિઃસૃત રંગને જાણવો કે નિઃસૃત રંગને જાણવો, અનુક્તરૂપને જાણવો કે ઉક્તરૂપને જાણવો-એવો જે ચલ-વિચલરૂપે જીવ જાણે છે, તે અધ્રુવ અવગ્રહનો વિષય છે.

વિશેષ સમાધાન– આગમમાં કહ્યું છે કે-ચક્ષુ, શ્રોત્ર, ઘ્રાણ, રસના, સ્પર્શન અને મન-એ છ પ્રકારનું લબ્ધ્યક્ષર શ્રુતજ્ઞાન છે. ‘લબ્ધિ’ એટલે ક્ષાયોપશમિક (ઉઘાડરૂપ) શક્તિ અને ‘અક્ષર’ નો અર્થ અવિનાશી છે; જે ક્ષાયોપશમિક શક્તિનો કદી નાશ ન થાય તેને લબ્ધ્યક્ષર કહેવામાં આવે છે, આ ઉપરથી સિદ્ધ થઈ જાય છે કે અનિઃસૃત અને અનુક્ત પદાર્થોનું પણ અવગ્રહાદિ જ્ઞાન થાય છે. લબ્ધ્યક્ષર જ્ઞાન એ શ્રુતજ્ઞાનનો ઘણો સૂક્ષ્મ ભેદ છે. જ્યારે એ જ્ઞાનને માનવામાં આવે છે ત્યારે અનિઃસૃત અને અનુક્ત પદાર્થોના અવગ્રહાદિ માનવામાં કોઈ દોષ નથી.