પ૮] [મોક્ષશાસ્ત્ર
૧-ચામડીને ચોપડી સ્પર્શી ત્યારે થોડોક વખત (તે વસ્તુનું જ્ઞાન શરૂ થવા છતાં) તે જ્ઞાન પોતાને પ્રગટરૂપ હોતું નથી, તેથી તે ચોપડીનું જ્ઞાન જીવને અવ્યક્ત- અપ્રગટ હોવાથી તે જ્ઞાનને વ્યંજનાવગ્રહ કહેવામાં આવે છે.
૨- ચોપડી ઉપર દ્રષ્ટિ પડતાં, પ્રથમ જે જ્ઞાન પ્રગટરૂપ થાય છે તે વ્યકત અથવા પ્રગટ પદાર્થનો અવગ્રહ (અર્થાવગ્રહ) કહેવાય છે.
વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મન સિવાયની ચાર ઇન્દ્રિયો દ્વારા હોય છે; વ્યંજનાવગ્રહ પછી જ્ઞાન પોતાને પ્રગટરૂપ થાય છે તેને અર્થાવગ્રહ કહે છે. ચક્ષુ અને મન દ્વારા અર્થાવગ્રહ જ થાય છે.
જેમ એક માટીના કોરા વાસણને પાણીના છાંટા નાખી ભીંજાવવું શરૂ કરવામાં આવે ત્યારે થોડાક છાંટા પડવા છતાં પણ તે એવા સૂકાઈ જાય છે કે જોનાર તે ઠામને ભીંજાએલું કહી શકતા નથી, તોપણ યુક્તિથી તો ‘તે ભીનું છે’ એ વાત માનવી જ પડે છે; તેવી રીતે કાન, નાક, જીભ અને ત્વચા એ ચાર ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે ભિડાવાથી જ્ઞાન પેદા થઈ શકે છે તેથી પ્રથમ જ, થોડા વખત સુધી વિષયનો મંદ સંબંધ રહેતો હોવાથી જ્ઞાન (થવાની શરૂઆત થયા છતાં) પ્રગટ જણાતું નથી, તોપણ વિષયનો સંબંધ શરૂ થઈ ગયો છે તેથી જ્ઞાનનું થવું પણ શરૂ થઈ ગયું છે-એ વાત યુક્તિથી અવશ્ય માનવી પડે છે. તેને (તે શરૂ થઈ ગયેલા જ્ઞાન ને) અવ્યક્ત જ્ઞાન અથવા વ્યંજનાવગ્રહ કહે છે
જ્યારે વ્યંજનાવગ્રહમાં વિષયનું સ્વરૂપ જ સ્પષ્ટ જાણવામાં નથી આવતું ત્યારે પછી વિશેષતાની શંકા તથા સમાધાનરૂપ ઇહાદિજ્ઞાન તો ક્યાંથી જ થઈ શકે? તેથી અવ્યક્તનો અવગ્રહમાત્ર જ હોય છે-ઇહાદિક હોતાં નથી.
મન તથા ચક્ષુ દ્વારા થતું જ્ઞાન વિષય સાથે ભિડાઈને (સ્પર્શાઈને) થતું નથી પણ દૂર રહેવાથી જ થાય છે; તેથી મન અને ચક્ષુ દ્વારા જે જ્ઞાન થાય તે જ્ઞાન ‘વ્યક્ત’ કહેવાય છે. ચક્ષુ તથા મન દ્વારા થતું જ્ઞાન અવ્યક્ત હોતું જ નથી, તેથી તે દ્વારા અર્થાવગ્રહ જ થાય છે.