અ. ૧. સૂત્ર ૧૮] [પ૯ ભાસવા લાગે છે ત્યારથી તે જ્ઞાનને વ્યક્તજ્ઞાન કહે છે-તેનું નામ અર્થાવગ્રહ છે. આ અર્થાવગ્રહ (અર્થ સહિત અવગ્રહ) બધી ઇન્દ્રિયો તથા મન દ્વારા થાય છે.
તે અર્થાવગ્રહ પછી ઈહા થાય છે. અર્થાવગ્રહજ્ઞાનમાં કોઈ પદાર્થની જેટલી વિશેષતા ભાસી ચૂકી છે તેનાથી અધિક જાણવાની ઇચ્છા થાય તો તે જ્ઞાન સત્ય (નક્કી કરવા) તરફ વધારે ઝૂકે છે તેને ઈહાજ્ઞાન કહેવામાં આવે છે; તે (ઈહા) સુદ્રઢ હોતી નથી. ઈહામાં પ્રાપ્ત થયેલ સત્ય વિષયનો જોકે પૂર્ણ નિશ્ચય નથી હોતો તોપણ જ્ઞાનનો અધિકાંશ ત્યાં થાય છે. તે (જ્ઞાનના અધિકાંશ) વિષયના સત્યાર્થગ્રાહી જ હોય છે, તેથી ઈહાને સત્ય જ્ઞાનોમાં ગણાવામાં આવ્યું છે.
‘અવાય’ નો અર્થ નિશ્ચય અથવા નિર્ણય થાય છે; ઈહા પછીના કાળ સુધી ઈહાના વિષય પર લક્ષ્ય રહે તો જ્ઞાન સુદ્રઢ થઈ જાય છે અને તેને અવાય કહે છે. જ્ઞાનના અવગ્રહ, ઈહા અને અવાય એ ત્રણે ભેદોમાંથી અવાય ઉત્કૃષ્ટ અથવા સર્વથી અધિક વિશેષજ્ઞાન છે.
ધારણા એ અવાય પછી થાય છે, પરતું તેમાં કાંઈક અધિક દ્રઢતા ઉત્પન્ન થવા સિવાય બીજી વિશેષતા નથી. ધારણા ની સુદ્રઢતાને કારણે એક એવો સંસ્કાર ઉત્પન્ન થાય છે કે જે થઈ જવાથી પૂર્વના અનુભવનું સ્મરણ થઈ શકે છે.
અવગ્રહ થયા પછી ઈહા થાય અગર ન પણ થાય. અવગ્રહ પછી ઈહા થાય તો એક ઈહા જ થઈ છૂટી જાય અને ક્યારેક ક્યારેક અવાય પણ થાય. અવાય થયા પછી ધારણા થાય અગર ન પણ થાય.
જે જ્ઞાનમાં બે વિષય એવા આવી પડે કે જેમાં એક સત્ય હોય અને બીજો મિથ્યા હોય, તો (તેવા પ્રસંગે) જે અંશની ઉપર જ્ઞાન કરવાનું અધિક ધ્યાન હોય તેને અનુસાર એ જ્ઞાનને સત્ય કે મિથ્યા માની લેવું જોઈએ. જેમ-એક ચંદ્રમાને દેખતાં જો બે ચંદ્રમાનું જ્ઞાન થાય અને ત્યાં જો દેખનારનું લક્ષ્ય કેવળ ચંદ્રમાને સમજી લેવાની તરફ હોય તો તે જ્ઞાનને સત્ય માનવું જોઈએ, અને જો દેખનારનું લક્ષ્ય એક-બે સંખ્યા નક્કી કરવા તરફ હોય તો તે જ્ઞાનને અસત્ય (મિથ્યા) માનવું જોઈએ.