Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 85 of 655
PDF/HTML Page 140 of 710

 

૮૨] [મોક્ષશાસ્ત્ર

સમાધાનઃ– દયાધર્મના જ્ઞાતાઓમાં પણ આપ્ત, આગમ અને પદાર્થ (નવતત્ત્વ) ની યથાર્થ શ્રદ્ધાથી રહિત જે જીવો છે તેમને દયાધર્મ આદિમાં યથાર્થ શ્રદ્ધા હોવાનો વિરોધ છે; તેથી તેમનું જ્ઞાન અજ્ઞાન જ છે. જ્ઞાનનું કાર્ય જે હોવું જોઈએ તે ન હોય ત્યાં જ્ઞાનને અજ્ઞાન ગણવાનું લોકમાં પણ પ્રસિદ્ધ છે, જેમકે પુત્રનું કાર્ય નહિ કરનાર એવા પુત્રને પણ લોકોમાં કુપુત્ર કહેવાનો વ્યવહાર જોવામાં આવે છે.

શંકા–જ્ઞાનનું કાર્ય શું છે? સમાધાનઃ– જાણેલા પદાર્થની શ્રદ્ધા કરવી તે જ્ઞાનનું કાર્ય છે. એ પ્રકારનું જ્ઞાનનું કાર્ય મિથ્યાદ્રષ્ટિ જીવમાં થતું નથી તેથી તેના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે.

[શ્રી ધવલા પુસ્તક પ પાનું-૨૨૪]

વિપર્યયમાં સંશય અને અનધ્યવસાય સમાઈ જાય છે એમ સૂત્ર ૩૧ ની ટીકામાં કહ્યું છે, તે સંબંધે હવે થોડું જણાવવામાં આવે છેઃ-

૧. કેટલાકને ધર્મ કે અધર્મ એ કાંઈ હશે કે નહિ તેવો સંશય હોય છે.
૨. કેટલાકને સર્વજ્ઞના અસ્તિત્વ-નાસ્તિત્વનો સંશય હોય છે.
૩. કેટલાકને પરલોકના અસ્તિત્વ-નાસ્તિત્વનો સંશય હોય છે.
૪. કેટલાકને અનધ્યવસાય (અનિર્ણય) હોય છે; તેઓ કહે છે કે-હેતુવાદરૂપ
તર્કશાસ્ત્ર છે તેથી તેનાથી કાંઈ નિર્ણય થઈ શકતો નથી, અને આગમો
છે તે ભિન્ન ભિન્ન રીતે વસ્તુના સ્વરૂપને કહે છે, કોઈ કાંઈ કહે છે
અને કોઈ કાંઈ કહે છે; તેથી તેની પરસ્પર વાત મળતી નથી.
પ. કેટલાકને એવો અનધ્યવસાય (અનિર્ણય) હોય છે કે કોઈ જ્ઞાતા સર્વજ્ઞ
અથવા કોઈ મુનિ કે જ્ઞાની પ્રત્યક્ષ દેખાતા નથી કે જેમનાં વચન અમે
પ્રમાણ કરી શકીએ; વળી ધર્મનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે તેથી કેમ નિર્ણય
થાય? માટે મોટા જે માર્ગે જાય તે માર્ગે આપણે જવું.
૬. કોઈ વીતરાગધર્મનો લૌકિક વાદો સાથે સમન્વય કરે છે; શુભભાવોના
વર્ણનનું સમાનપણું કેટલાક અંશે દેખી જગતમાં ચાલતી બધી ધાર્મિક
માન્યતાઓ એક છે એમ માને છે (તે વિપર્યય છે).
૭. કોઈ મંદ કષાયથી ધર્મ (શુદ્ધતા) થાય એમ માને છે (તે પણ વિપર્યય છે).
૮. આ જગત કોઈ એક ઈશ્વરે પેદા કર્યું છે, એ તેનો નિયામક છે-એમ
ઈશ્વરનું સ્વરૂપ વિપર્યય સમજે છે.