Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 96 of 655
PDF/HTML Page 151 of 710

 

૯૪] [મોક્ષશાસ્ત્ર

(૧) સમ્યગ્દર્શન–તમામ સમ્યગ્દ્રષ્ટિઓને એટલે ચોથા ગુણસ્થાનકથી સિદ્ધ સુધી બધાને એકસરખું છે. એટલે કે શુદ્ધાત્માની માન્યતા તે બધાને એકસરખી છે- માન્યતામાં કાંઈ ફેરફાર નથી.

(ર) સમ્યગ્જ્ઞાન–તમામ સમ્યગ્દ્રષ્ટિઓને સમ્યક્પણાની અપેક્ષાએ જ્ઞાન એક જાતનું છે, પણ જ્ઞાન કોઈને હીન, કોઈને અધિક હોય છે. તેરમે ગુણસ્થાનથી સિદ્ધ સુધીનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુઓને યુગપત્ જાણે છે. નીચેના ગુણસ્થાનોમાં [ચારથી બાર સુધીમાં] જ્ઞાન ક્રમેક્રમે થાય છે અને ત્યાં જોકે જ્ઞાન સમ્યક્ છે તોપણ ઓછું-વધતું છે, તે અવસ્થામાં જે જ્ઞાન ઉઘાડરૂપ નથી તે અભાવરૂપ છે; આ રીતે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં તફાવત છે.

(૩) સમ્યક્ચારિત્ર– તમામ સમ્યગ્દ્રષ્ટિઓને જે કાંઈ ચારિત્ર પ્રગટયું હોય તે સમ્યક્ છે, અને દસમા ગુણસ્થાન સુધી જે પ્રગટયું નથી તે વિભાવરૂપ છે. તેરમા ગુણસ્થાને અનુજીવી યોગગુણ કંપનરૂપ હોવાથી વિભાવરૂપ છે, અને ત્યાં પ્રતિજીવી ગુણો બિલકુલ પ્રગટ નથી. ચૌદમા ગુણસ્થાને પણ ઉપાદાનની કચાશ છે તેથી ત્યાં ઔદયિકભાવ છે.

(૪) જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમ્યગ્જ્ઞાન અને સ્વરૂપાચરણચારિત્રનો અંશ અભેદરૂપ હોય છે અને ઉપર કહ્યા પ્રમાણે દર્શનગુણથી જ્ઞાનગુણનું જુદાપણું અને તે બન્ને ગુણથી ચારિત્રગુણનું જુદાપણું સિદ્ધ થયું, એ રીતે અનેકાંત સ્વરૂપ થયું.

(પ) આ ભેદ પર્યાયાર્થિકનયથી છે, દ્રવ્ય અખંડ હોવાથી દ્રવ્યાર્થિકનયે બધા ગુણો અભેદ-અખંડ છે એમ સમજવું.

(૭)
દર્શન (શ્રદ્ધા), જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણોની અભેદદ્રષ્ટિએ
નિશ્ચયસમ્યગ્દર્શનની વ્યાખ્યા

(૧) અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મસ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે-[અર્થાત્ શ્રદ્ધાય છે] અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. નયોના પક્ષપાત છોડીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ ‘સમ્યગ્દર્શન’ અને ‘સમ્યગ્જ્ઞાન’ એવાં નામ પામે છે. સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી. [ગુજરાતી સમયસાર ગાથા-૧૪૪ ટીકા-ભાવાર્થ, પાનું-૧૮૪]