Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 137 of 655
PDF/HTML Page 192 of 710

 

૧૩૬ ] [ મોક્ષશાસ્ત્ર -લક્ષ્મીનો પ્રેમ અને સંસારની રુચિમાં ઓછપ નહિ થાય તો તે સત્સમાગમ માટે નિવૃત્તિ લઇ શકશે નહિ. શ્રુતનું અવલંબન લેવાનું કહ્યું ત્યાં જ તીવ્ર અશુભ ભાવનો તો ત્યાગ આવી ગયો. અને સાચાં નિમિત્તોની ઓળખાણ કરવાનું પણ આવી ગયું.

સુખનો ઉપાય–જ્ઞાન અને સત્સમાગમ

તારે સુખ જોઈએ છે ને? જો તારે સુખ જોઈતું હોય તો તું પહેલાં સુખ ક્યાં છે અને તે કેમ પ્રગટે તેનો નિર્ણય કર, જ્ઞાન કર. સુખ ક્યાં છે અને કેમ પ્રગટે છે તેના જ્ઞાન વગર સુકાઈ જાય તોપણ સુખ ન મળે-ધર્મ ન થાય. સર્વજ્ઞ ભગવાનના કહેલા શ્રુતજ્ઞાનના અવલંબન વડે એ નિર્ણય થાય છે અને તે નિર્ણય કરવો એ જ પ્રથમ ધર્મ છે. જેને ધર્મ કરવો હોય તે ધર્મીને ઓળખી તેઓ શું કહે છે તેનો નિર્ણય કરવા માટે સત્સમાગમ કરે. સત્સમાગમે જેને શ્રુતજ્ઞાનનું અવલંબન થયું કે અહો! પરિપૂર્ણ આત્મવસ્તુ, આ જ ઉત્કૃષ્ટ મહિમાવંત છે, આવું પરમ સ્વરૂપ મેં અનંતકાળમાં સાંભળ્‌યું પણ નથી- આમ થતાં તેને સ્વરૂપની રુચિ જાગે અને સત્સમાગમનો રંગ લાગે, એટલે તેને કુદેવાદિ કે સંસાર પ્રત્યેની રુચિ હોય જ નહિ.

જો વસ્તુને ઓળખે તો પ્રેમ જાગે અને તે તરફનો પુરુષાર્થ વળે. આત્મા અનાદિથી સ્વભાવને ચૂકીને પરભાવરૂપી પરદેશમાં રખડે છે, સ્વરૂપની બહાર- સંસારમાં રખડતાં રખડતાં પરમ પિતા સર્વજ્ઞ પરમાત્મા અને પરમ હિતકારી શ્રી પરમ ગુરુ ભેટયા. અને તેઓ પૂર્ણ હિત કેમ થાય તે સંભળાવે છે અને આત્માના સ્વરૂપની ઓળખાણ કરાવે છે. પોતાનું સ્વરૂપ સાંભળતાં કયા ધર્મીને ઉલ્લાસ ન આવે? આવે જ, આત્મસ્વભાવની વાત સાંભળતાં જિજ્ઞાસુ જીવોને મહિમા આવે જ.. અહો! અનંતકાળથી આ અપૂર્વ જ્ઞાન ન થયું, સ્વરૂપની બહાર પરભાવમાં ભમીને આ અનંતકાળ દુઃખી થયો, આ અપૂર્વ જ્ઞાન પૂર્વે જો કર્યું હોત તો આ દુઃખ ન હોત.. આમ સ્વરૂપની ઝંખના લાગે, રસ આવે, મહિમા જાગે.. અને એ મહિમાને યથાર્થપણે ઘૂંટતાં સ્વરૂપનો નિર્ણય કરે. આ રીતે જેને ધર્મ કરીને સુખી થવું હોય તેણે પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને આત્માનો નિર્ણય કરવો.

ભગવાનની શ્રુતજ્ઞાનરૂપી દોરીને દ્રઢપણે પકડીને તેના અવલંબનથી સ્વરૂપમાં પહોંચી જવાય છે. શ્રુતજ્ઞાનનું અવલંબન એટલે શું? સાચા શ્રુતજ્ઞાનનો જ રસ છે, અન્ય કુશ્રુતજ્ઞાનનો રસ નથી, સંસારની વાતોનો તીવ્ર રસ ટળી ગયો છે અને શ્રુતજ્ઞાનનો તીવ્ર રસ લાગ્યો છે-આ રીતે શ્રુતજ્ઞાનના અવલંબન વડે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા જે તૈયાર થયો છે તેને અલ્પકાળમાં આત્મભાન થશે.. સંસારનો તીવ્ર લોહવાટ જેના હૃદયમાં ઘોળાતો હોય તેને તો આ પરમ શાંત સ્વભાવની વાત સમજવાની પાત્રતા નહિ.