અ. ૧. પરિ. ૩ ] [ ૧૩૭ જાગે.. અહીં જે ‘શ્રુતનું અવલંબન’ મૂકયું છે તે અવલંબન તો સ્વભાવના લક્ષે છે, પાછા ન ફરવાના લક્ષે છે. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા માટે જેણે શ્રુતનું અવલંબન ઉપાડયું તે આત્મસ્વભાવનો નિર્ણય કરે જ કરે. પાછો ફરે એવી વાત શાસ્ત્રમાં લીધી નથી.
સંસારની રુચિ ઘટાડીને આત્માનો નિર્ણય કરવાના લક્ષે જે અહીં સુધી આવ્યો તેને શ્રુતજ્ઞાનના અવલંબને નિર્ણય થવાનો જ, નિર્ણય ન થાય તેમ બને જ નહિ. શાહુકારના ચોપડે દિવાળાની વાત જ ન હોય, તેમ અહીં દીર્ઘસંસારીની વાત જ નથી. અહીં તો સાચા જિજ્ઞાસુ જીવોની જ વાત છે. બધી વાતની હા જી હા ભણે અને એકેય વાતનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરે નહિ એવા ‘ધજાની પૂંછડી’ જેવા જીવોની વાત નથી લીધી. ટંકણખાર જેવી વાત છે. જે અનંતકાળના સંસારનો અંત લાવવા માટે પૂર્ણ સ્વભાવના લક્ષે શરૂઆત કરવા નીકળ્યો છે એવા જીવની શરૂઆત પાછી નહિ ફરે-એવાની જ અહીં વાત છે. આ તો અપ્રતિહત માર્ગ છે. ‘પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.’ પૂર્ણતાના લક્ષે ઊપડેલી શરૂઆત પાછી ન ફરે; પૂર્ણતાના લક્ષે પૂર્ણતા થાય જ.
એક ને એક વાત ફેરવી ફેરવીને કહેવાય છે, તેથી રુચિવંત જીવને કંટાળો ન આવે. નાટકની રુચિવાળો નાટકમાં ‘વન્સમોર’ કરીને પણ પોતાની રુચિવાળી વસ્તુને વારંવાર જુએ છે; તેમ જે ભવ્યજીવોને આત્માની રુચિ થઈ અને આત્માનું કરવા માટે નીકળ્યા તે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે-ખાતાં, પીતાં, ચાલતાં, સૂતાં, બેસતાં, બોલતાં, વિચારતાં-નિરંતર શ્રુતનું જ અવલંબન, સ્વભાવના લક્ષે કરે છે; તેમાં કોઈ કાળ કે ક્ષેત્રની મર્યાદા કરતા નથી. શ્રુતજ્ઞાનની રુચિ અને જિજ્ઞાસા એવી જામી છે કે કયારેય પણ તે ખસતી નથી. અમુક કાળ અવલંબન કરવું-પછી મૂકી દેવું એમ નથી કહ્યું પરંતુ શ્રુતજ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવાનું કહ્યું છે. જેને સાચા તત્ત્વની રુચિ થઈ છે તે બીજાં સર્વ કાર્યોની પ્રીતિને ગૌણ જ કરે છે.
પ્રશ્નઃ– ત્યારે શું સત્ની પ્રીતિ થાય એટલે ખાવા-પીવાનું અને ધંધો-વેપાર બધું છોડી દેવું? શ્રુતજ્ઞાન સાંભળ્યા જ કરવું- પરંતુ સાંભળીને કરવું શું?
ઉત્તરઃ– સત્ની પ્રીતિ થાય એટલે તરત જ ખાવાપીવાનું બધું છૂટી જ જાય એવો નિયમ નથી. પરંતુ તે તરફની રુચિ તો અવશ્ય ઘટે જ. પરમાંથી સુખબુદ્ધિ ઊડી જાય અને બધામાં એક આત્મા જ આગળ હોય એટલે નિરંતર આત્માની જ ધગશ અને