અ. ૧. પરિ. ૩ ] [ ૧૩૯ તેનું પરિણમન પુણ્ય-પાપ તરફથી પાછું ખસીને જ્ઞાયકસ્વભાવ તરફ ઢળ્યું એટલે તેને પુણ્ય-પાપનો આદર ન રહ્યો તેથી તે અલ્પકાળમાં પુણ્ય-પાપ રહિત સ્વભાવનો નિર્ણય કરીને અને તેની સ્થિરતા કરીને વીતરાગ થઈ પૂર્ણ થઈ જશે. પૂર્ણની જ વાત છે- શરૂઆત અને પૂર્ણતા વચ્ચે આંતરો પાડયો જ નથી કેમકે શરૂઆત થઈ છે તે પૂર્ણતાને લક્ષમાં લઈને જ થઈ છે; સત્ય સંભળાવનાર અને સાંભળનાર બન્નેની પૂર્ણતા જ છે; જેઓ પૂર્ણ સ્વભાવની વાત કરે છે તે દેવ, ગુરુ અને શાસ્ત્ર એ ત્રણે તો પવિત્ર જ છે; તેના અવલંબને જેણે હા પાડી તે પણ પૂર્ણ પવિત્ર થયા વગર રહે જ નહિ.. પૂર્ણની હા પાડીને આવ્યો છે તે પૂર્ણ થશે જ.. આ રીતે ઉપાદાન નિમિત્તની સંધિ સાથે જ છે.
આત્માનંદ પ્રગટ કરવા માટેની પાત્રતાનું સ્વરૂપ શું? તારે ધર્મ કરવો છે ને? તો તું તને ઓળખ. પહેલામાં પહેલાં સાચો નિર્ણય કરવાની વાત છે. અરે, તું છો કોણ? શું ક્ષણિક પુણ્ય-પાપનો કરનાર તે જ તું છો? ના, ના. તું તો જ્ઞાન કરનાર જ્ઞાનસ્વભાવી છો. પરને ગ્રહનાર કે છોડનાર તું નથી, જાણનાર જ તું છો. આવો નિર્ણય તે જ ધર્મની પહેલી શરૂઆતનો (સમ્યગ્દર્શનનો) ઉપાય છે. શરૂઆતમાં એટલે કે સમ્યગ્દર્શન પહેલાં આવો નિર્ણય ન કરે તો તે પાત્રતામાં પણ નથી. મારો સહજ સ્વભાવ જાણવાનો છે- આવો શ્રુતના અવલંબને જે નિર્ણય કરે છે તે પાત્ર જીવ છે. જેને પાત્રતા પ્રગટી તેને અંર્તઅનુભવ થવાનો જ છે. સમ્યગ્દર્શન થયા પહેલાં જિજ્ઞાસુ જીવ-ધર્મસન્મુખ થયેલો જીવ-સત્સમાગમે આવેલો જીવ શ્રુતજ્ઞાનના અવલંબને જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે.
હું જ્ઞાનસ્વભાવી જાણનાર છું, જ્ઞેયમાં ક્યાંય રાગ-દ્વેષ કરી અટકે તેવો મારો જ્ઞાનસ્વભાવ નથી; પર ગમે તેમ હો, હું તો તેનો માત્ર જાણનાર છું, મારો જાણનાર સ્વભાવ પરનું કાંઈ કરનાર નથી; હું જેમ જ્ઞાન સ્વભાવી છું તેમ જગતના બધા આત્માઓ જ્ઞાનસ્વભાવી છે, તેઓ પોતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય ચૂકયા છે તેથી દુઃખી છે, તેઓ જાતે નિર્ણય કરે તો તેઓનું દુઃખ ટળે, હું કોઈને ફેરવવા સમર્થ નથી. પર જીવોનું દુઃખ હું ટાળી શકું નહિ. કેમકે દુઃખ તેઓએ પોતાની ભૂલથી કર્યું છે અને તેઓ પોતાની ભૂલ ટાળે તો તેમનું દુઃખ ટળે, કોઈ પરના લક્ષે અટકવાનો જ્ઞાનનો સ્વભાવ નથી.
પ્રથમ શ્રુતનું અવલંબન બતાવ્યું તેમાં પાત્રતા થઈ છે એટલે કે શ્રુતના અવલંબનથી આત્માનો અવ્યક્ત નિર્ણય થયો છે, ત્યાર પછી પ્રગટ અનુભવ કેમ થાય તે નીચે કહેવામાં આવે છેઃ-