Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 141 of 655
PDF/HTML Page 196 of 710

 

૧૪૦ ] [ મોક્ષશાસ્ત્ર

સમ્યગ્દર્શન પહેલાં શ્રુતજ્ઞાનના અવલંબનના જોરે આત્માના જ્ઞાનસ્વભાવને અવ્યક્તપણે લક્ષમાં લીધો છે, હવે પ્રગટરૂપ લક્ષમાં લ્યે છે- અનુભવ કરે છે- આત્મસાક્ષાત્કાર અર્થાત્ સમ્યગ્દર્શન કરે છે, તે કઈ રીતે? તેની રીતે એ છે કે “.. પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિય અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તેમને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાનતત્ત્વને આત્મસુખ કર્યું છે એવો” અપ્રગટરૂપ નિર્ણય થયો હતો તે હવે પ્રગટરૂપ કાર્ય લાવે છે. જે નિર્ણય કર્યો હતો તેનું ફળ પ્રગટે છે.

આ નિર્ણય જગતના બધા સંજ્ઞી આત્માઓ કરી શકે છે. બધા આત્માઓ પરિપૂર્ણ ભગવાન જ છે, તેથી બધા પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરી શકવા સમર્થ છે. જે આત્માનું કરવા માગે તેને તે થઈ શકે છે, પરંતુ અનાદિથી પોતાની દરકાર કરી નથી. ભાઈ રે! તું કોણ વસ્તુ છો તે જાણ્યા વિના તું કરીશ શું? પહેલાં આ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો જોઈએ, એ નિર્ણય થતાં અવ્યક્તપણે આત્માનું લક્ષ આવ્યું, પછી પરના લક્ષથી અને વિકલ્પથી ખસીને સ્વનું લક્ષ પ્રગટ અનુભવપણે કરવું.

આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે ઇન્દ્રિય અને મનથી જે પર લક્ષ જાય છે તેને ફેરવીને તે મતિજ્ઞાનને સ્વમાં એકાગ્ર કરતાં આત્માનું લક્ષ થાય છે એટલે કે આત્માની પ્રગટપણે પ્રસિદ્ધિ થાય છે; આત્માનો પ્રગટરૂપ અનુભવ થવો તે જ સમ્યગ્દર્શન છે અને સમ્યગ્દર્શન એ જ ધર્મ છે.

ધર્મ માટે પહેલાં શું કરવું?

માણસો કહે છે કે આત્માનું કાંઈ ન સમજાય તો પુણ્યના શુભભાવ તો કરવા કે નહિ? તેનો ઉત્તરઃ- પ્રથમ સ્વભાવ સમજવો તે જ ધર્મ છે, ધર્મ વડે જ સંસારનો અંત છે, શુભભાવથી ધર્મ થાય નહિ અને ધર્મ વગર સંસારનો અંત આવે નહિ. ધર્મ તો પોતાનો સ્વભાવ છે, માટે પહેલાં સ્વભાવ સમજવો જોઈએ.

પ્રશ્નઃ– સ્વભાવ ન સમજાય તો શું કરવું? સમજતાં વાર લાગે તો શું અશુભ ભાવ કરીને દુર્ગતિ જવું? શુભથી તો ધર્મ થવાની ના કહો છો?

ઉત્તરઃ– પ્રથમ તો આ વાત ન સમજાય એમ બને જ નહિ. સમજતાં વાર લાગે ત્યાં સમજણના લક્ષે અશુભભાવ ટાળી શુભભાવ કરવાની ના નથી, પરંતુ શુભભાવથી ધર્મ થતો નથી- એમ જાણવું. જ્યાં સુધી કોઈ પણ જડ વસ્તુની ક્રિયા અને રાગની ક્રિયાને જીવ પોતાની માને ત્યાં સુધી સાચી સમજણના માર્ગે નથી.