Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 142 of 655
PDF/HTML Page 197 of 710

 

અ. ૧. પરિ. ૩ ] [ ૧૪૧

સુખનો રસ્તો સાચી સમજણ; વિકારનું ફળ જડ

જો આત્માની સાચી રુચિ થાય તો સમજણનો રસ્તો લીધા વગર રહે નહિ; સત્ય જોઈતું હોય, સુખ જોઈતું હોય તો આ જ રસ્તો છે. સમજતાં ભલે વાર લાગે, પરંતુ માર્ગ તો સાચી સમજણનો લેવો જોઈએ ને! સાચી સમજણનો માર્ગ લ્યે તો સત્ય સમજાયા વગર રહે જ નહિ. જો આવા મનુષ્યદેહમાં અને સત્સમાગમના યોગે પણ સત્ય ન સમજે તો ફરી આવાં સત્યનાં ટાણાં મળતાં નથી. હું કોણ છું તેની જેને ખબર નથી અને અહીં જ સ્વરૂપ ચુકીને જાય છે તે જ્યાં જશે ત્યાં શું કરશે? શાંતિ ક્યાંથી લાવશે? આત્માના ભાન વગર કદાચ શુભભાવ કર્યા હોય તો પણ તે શુભનું ફળ જડમાં જાય છે, આત્મામાં પુણ્યનું ફળ આવતું નથી. આત્માની દરકાર કરી નથી અને અહીંથી જ જે મૂઢ થઈ ગયો છે તેણે કદાચ શુભભાવ કર્યા તો રજકણો બંધાણા અને તે રજકણોના ફળમાં પણ રજકણોનો સંયોગ મળવાનો, રજકણોનો સંયોગ મળે તેમાં આત્માને શું? આત્માની શાંતિ તો આત્મામાં છે, પરંતુ તેની તો દરકાર કરી નથી.

અસાધ્ય કોણ? અને શુદ્ધાત્મા કોણ?

અજ્ઞાની જડનું લક્ષ કરીને જડ જેવો થઈ ગયો છે, મરતાં જ પોતાને ભૂલીને સંયોગદ્રષ્ટિથી મરે છે, અસાધ્યપણે વર્તે છે એટલે ચૈતન્યસ્વરૂપનું ભાન નથી, તે જીવતાં જ અસાધ્ય જ છે. ભલે, શરીર હાલે, ચાલે, બોલે, પણ એ તો જડની ક્રિયા છે. તેનો ધણી થયો પણ અંતરમાં સાધ્ય જે જ્ઞાનસ્વરૂપ તેની જેને ખબર નથી તે અસાધ્ય (જીવતું મુડદું) છે. વસ્તુનો સ્વભાવ યથાર્થપણે સમ્યગ્દર્શન પૂર્વકના જ્ઞાનથી ન સમજે તો જીવને સ્વરૂપનો કિંચિત્ લાભ નથી; સમ્યગ્દર્શન-જ્ઞાનવડે સ્વરૂપની ઓળખાણ અને નિર્ણય કરીને જે ઠર્યો તેને જ ‘શુદ્ધ આત્મા’ એવું નામ મળે છે, અને શુદ્ધાત્મા એ જ સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાન છે. ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ છૂટીને એકલો આત્મ-અનુભવ રહી જાય તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે, એ કાંઈ આત્માથી જુદાં નથી.

સત્ય જેને જોઈતું હોય તેવા જિજ્ઞાસુ-સમજુ જીવને કોઇ અસત્ય કહે તો તે અસત્યની હા પાડી દે નહિ- અસત્નો સ્વીકાર ન કરે, જેને સત્સ્વભાવ જોઈતો હોય તે સ્વભાવથી વિરુદ્ધ ભાવની હા ન પાડે-તેને પોતાના ન માને. વસ્તુનું સ્વરૂપ શુદ્ધ છે તેનો બરાબર નિર્ણય કર્યો અને વૃત્તિ છૂટી જતાં જે અભેદ શુદ્ધ અનુભવ થયો તે જ ધર્મ છે. આવો ધર્મ કેવી રીતે થાય, ધર્મ કરવા માટે પ્રથમ શું કરવું? તે સંબંધી આ કથન ચાલે છે.