૧૬૨ ] [ મોક્ષશાસ્ત્ર
અહીં દ્રવ્યયુતિ ત્રણ પ્રકારની છે-જીવયુતિ, પુદ્ગલયુતિ અને જીવ-પુદ્ગલયુતિ. એમાંથી એક કુળ, ગામ, નગર, બિલ (-દર), ગુફા કે જંગલમાં જીવોનું મળવું તે જીવયુતિ છે. પવનને લીધે હાલતાં પાંદડાંઓની જેમ એક સ્થાનમાં પુદ્ગલોનું મળવું તે પુદ્ગલયુતિ છે. જીવ અને પુદ્ગલોનું મળવું તે જીવ-પુદ્ગલયુતિ છે. અથવા જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ એમના એક વગેરેના સંયોગ દ્વારા દ્રવ્યયુતિ ઉત્પન્ન કરાવવી જોઈએ. જીવાદિ દ્રવ્યોનું નારકાદિ ક્ષેત્રો સાથે મળવું તે ક્ષેત્રયુતિ છે. તે જ દ્રવ્યોનો દિવસ, મહિના, વર્ષ આદિ કાળ સાથેનો જે મિલાપ તે કાળયુતિ છે. ક્રોધ, માન, માયા અને લોભાદિક સાથે તેમનો મિલાપ થવો તે ભાવયુતિ છે. ત્રિકાળવિષયક આ સર્વ યુતિઓના ભેદોને તે ભગવાન જાણે છે.
છ દ્રવ્યોની શક્તિનું નામ અનુભાગ છે. તે અનુભાગ છ પ્રકારનો છે- જીવાનુભાગ, પુદ્ગલાનુભાગ, ધર્માસ્તિકાયાનુભાગ, અધર્માસ્તિકાયાનુભાગ, આકાશાસ્તિકાયાનુભાગ અને કાળદ્રવ્યાનુભાગ. એમાંથી સર્વ દ્રવ્યોનું જાણવું તે જીવાનુભાગ છે. જ્વર, કુષ્ઠ અને ક્ષયાદિનો વિનાશ કરવો અને તેમને ઉત્પન્ન કરવા તેનું નામ પુદ્ગલાનુભાગ છે. યોનિ પ્રાભૃતમાં કહેલા મંત્ર-તંત્રરૂપ શક્તિઓનું નામ પુદ્ગલાનુભાગ છે, એમ અહીં ગ્રહણ કરવું જોઈએ. જીવ અને પુદ્ગલોના ગમન અને આગમનમાં હેતુ થવું તે ધર્માસ્તિકાયાનુભાગ છે. તેમના જ અવસ્થાનમાં હેતુ થવું તે અધર્માસ્તિકાયાનુભાગ છે. જીવાદિ દ્રવ્યોનો આધાર થવું તે આકાશાસ્તિકાયાનુભાગ છે. અન્ય દ્રવ્યોના ક્રમ અને યુગપદ્ પરિણામમાં હેતુ થવું તે કાળદ્રવ્યાનુભાગ છે. એ જ રીતે દ્વિસંયોગાદિ રૂપે અનુભાગનું કથન કરવું જોઈએ. જેમકે-માટીનો પિંડ, દંડ, ચક્ર, ચીવર, જળ અને કુંભાર આદિનો ઘટોત્પાદનરૂપ અનુભાગ. એ અનુભાગને પણ જાણે છે.
તર્ક, હેતુ અને જ્ઞાપક, એ એકાર્થવાચી શબ્દો છે. એને પણ જાણે છે. ચિત્રકર્મ અને પત્રછેદન આદિનું નામ કળા છે. કળાને પણ તેઓ જાણે છે. મનોવર્ગણાથી બનેલ હૃદય-કમળનું નામ મન છે, અથવા મનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને મન કહે છે. મન વડે ચિંતિત પદાર્થોનું નામ માનસિક છે. તેમને પણ જાણે છે.