અ. ૨. સૂત્ર ૧ ] [ ૧૭પ
અધ્યાય-૧ સૂત્ર-૩૨માં જણાવ્યું કે જીવને ‘સત્ અને અસત્’ની સમજણ રહિતની જે દશા છે તે ‘ઉન્મત્ત’ જેવી છે. પોતાની આવી દશા અનાદિની છે એમ પહેલા અધ્યાયના સૂત્ર-૪ માં કહેલાં તત્ત્વોનો રાગમિશ્રિત વિચાર કરતાં જીવને ખ્યાલ આવે છે; વળી તેને એવો પણ ખ્યાલ આવે છે કે જીવને પુદ્ગલકર્મ તથા શરીર સાથે પ્રવાહરૂપે અનાદિથી સંબંધ છે, અર્થાત્ જીવ પોતે તેને તે જ છે પણ કર્મ અને શરીર જૂનાં જાય છે અને નવાં આવે છે; તથા આ સંયોગસંબંધ અનાદિથી ચાલ્યો આવે છે. અ. ૧. સૂત્ર ૩૨માં જણાવેલી અજ્ઞાનદશા હોય ત્યારે આ સંયોગસંબંધને જીવ એકરૂપે (તાદાત્મ્ય સંબંધપણે) માને છે અને એ રીતે અજ્ઞાનપણે જીવ શરીરને પોતાનું માનતો હોવાથી, શરીર સાથે માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ, તેની સાથે કર્તાકર્મ સંબંધ માને છે; આ કારણે ‘હું શરીરનાં કાર્ય કરી શકું’ એમ તે માનતો આવે છે. તત્ત્વનો વિચાર કરતાં કરતાં જીવને માલૂમ પડે છે કે હું જીવતત્ત્વ છું અને શરીર તથા જડ કર્મો મારાથી તદ્ન જુદાં અજીવતત્ત્વ છે, હું તે અજીવમાં નથી અને તે અજીવ મારામાં નથી તેથી હું તે અજીવનું કાંઈ કરી શકું નહિ, મારા જ ભાવ હું કરી શકું, તથા અજીવ તેમના ભાવ કરી શકે પણ તે મારા કોઈ ભાવ કરી શકે નહિ. આ પ્રમાણે જિજ્ઞાસુ આત્માઓ પ્રથમ રાગમિશ્રિત વિચાર દ્વારા જીવ-અજીવ તત્ત્વોનું સ્વરૂપ જાણીને, પોતામાં જે કાંઈ વિકાર થાય છે તે પોતાના જ દોષના કારણે છે-એમ નક્કી કરે છે; આટલું જાણતાં અવિકારી ભાવ શું છે તેનો પણ તેને ખ્યાલ આવે છે; આ રીતે વિકારભાવ (પુણ્ય, પાપ, આસ્રવ, બંધ) નું તથા અવિકારભાવ (સંવર, નિર્જરા, મોક્ષ) નું સ્વરૂપ તે જિજ્ઞાસુ આત્મા નક્કી કરે છે. પ્રથમ રાગમિશ્રિત વિચાર દ્વારા આ તત્ત્વોનું જ્ઞાન કરીને પછી જ્યારે તે ભેદો તરફનું લક્ષ ટાળીને જીવ પોતાના ત્રિકાળી પારિણામિકભાવનો-જ્ઞાયકભાવનો યથાર્થ આશ્રય કરે છે ત્યારે તેને શ્રદ્ધાગુણનો ઔપશમિકભાવ પ્રગટે છે. શ્રદ્ધાગુણના ઔપશમિકભાવને ઔપશમિક સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પ્રગટતાં જીવને ધર્મની શરૂઆત થાય છે; ત્યારે જીવની અનાદિથી ચાલી આવતી શ્રદ્ધાગુણની મિથ્યાદશા ટળીને સમ્યક્દશા પ્રગટ થાય છે.
આ ઔપશમિકભાવ અર્થાત્ સમ્યગ્દર્શનનું એવું માહાત્મ્ય છે કે જે જીવ પુરુષાર્થ વડે તેને એક વખત પ્રગટ કરે તે જીવને પોતાની પૂર્ણ પવિત્ર દશા (ક્ષાયિકભાવ) પ્રગટ થયા વગર રહે જ નહિ. પ્રથમ ઔપશમિકભાવ પ્રગટતાં અ. ૧. સૂત્ર-૩૨ માં