૧૭૬ ] [ મોક્ષશાસ્ત્ર કહેલી ‘ઉન્મત્તદશા’ ટળે છે અર્થાત્ જીવની મિથ્યાજ્ઞાનદશા ટળીને તે સમ્યક્મતિ- શ્રુતજ્ઞાનરૂપ થઈ જાય છે, અને જો તે જીવને પૂર્વે મિથ્યા અવધિજ્ઞાન હોય તો તે પણ ટળી જઈને સમ્યક્અવધિજ્ઞાનરૂપ થઈ જાય છે; આ ઔપશમિકભાવ તે ‘સંવર’ છે.
સમ્યગ્દર્શનનું માહાત્મય બતાવવા માટે આચાર્ય ભગવાને આ શાસ્ત્રની શરૂઆત કરતાં જ પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં પહેલો જ શબ્દ ‘સમ્યગ્દર્શન’ વાપર્યો છે, અને પ્રથમ સમ્યગ્દર્શન ઔપશમિક ભાવે જ થતું હોવાથી ઔપશમિકભાવનું માહાત્મ્ય બતાવવા માટે અહીં પણ આ બીજો અધ્યાય શરૂ કરતાં તે ભાવ પહેલા સૂત્રમાં પહેલા જ શબ્દમાં બતાવ્યો છે.
૧. પ્રશ્નઃ– દરેક જીવમાં પારિણામિકભાવ અનાદિનો છે, છતાં તેને ઔપશમિકભાવ અર્થાત્ સમ્યગ્દર્શન કેમ પ્રગટયું નથી?
ઉત્તરઃ– જીવને અનાદિથી પોતાના સ્વરૂપનું ભાન નથી અને તેથી પોતે પારિણામિકભાવસ્વરૂપ છે એમ તે જાણતો નથી, અને ‘શરીર મારું અને શરીરને અનુકૂળ જણાતી પરવસ્તુઓ મને લાભકારી છે. તથા શરીરને પ્રતિકૂળ જણાતી પરવસ્તુઓ મને નુકસાનકારી છે’ એમ અજ્ઞાનદશામાં માન્યા કરે છે તેથી તેનું વલણ પરવસ્તુઓ, શરીર અને વિકારીભાવો તરફ રહ્યા જ કરે છે; અહીં, જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિકભાવનું જ્ઞાન કરાવીને, પોતાના ગુણ-પર્યાયરૂપ ભેદોને અને પર વસ્તુઓને ગૌણ કરીને આચાર્યભગવાન તે ઉપરનું લક્ષ છોડાવે છે; ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પદશા થતી નથી માટે અભેદદ્રષ્ટિ કરાવી છે કે જેથી નિર્વિકલ્પદશા પ્રગટે, ઔપશમિકભાવ પણ એક પ્રકારની નિર્વિકલ્પદશા છે.
ર. પ્રશ્નઃ– આ સૂત્રમાં કહેલા પાંચ ભાવોમાંથી ક્યાં ભાવ તરફના વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય?
ઉત્તરઃ– પારિણામિકભાવ સિવાયના ચારે ભાવો ક્ષણિક છે, એક સમય પૂરતા છે, વળી તેમાં પણ ક્ષાયિકભાવ તો વર્તમાન છે નહિ, ઔપશમિકભાવ પણ હોય તો થોડો વખત ટકે છે, અને ઔદયિક-ક્ષાયોપશમિકભાવો પણ સમયે સમયે પલટે છે માટે તે ભાવો ઉપર લક્ષ કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહિ અને ધર્મ પ્રગટે નહિ. ત્રિકાળ સ્વભાવી પારિણામિકભાવનું માહાત્મ્ય જાણીને તે તરફ જીવ પોતાનું વલણ કરે તો ધર્મની શરૂઆત થાય છે અને તે ભાવની એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય છે.