૧૯૪ ] [ મોક્ષશાસ્ત્ર સંબંધ થાય છે તેને દ્રવ્યપરિવર્તન કહે છે; તેના બે પેટા ભેદ છે-૧. નોકર્મદ્રવ્યપરિવર્તન અને ર. કર્મદ્રવ્યપરિવર્તન.
૧. નોકર્મદ્રવ્યપરિવર્તનનું સ્વરૂપઃ– ઔદારિક, તૈજસ અને કાર્મણ અથવા વૈક્રિયિક, તૈજસ અને કાર્મણ-એ ત્રણ શરીર અને છ પર્યાપ્તિને લાયક જે પુદ્ગલસ્કંધો એક સમયમાં એક જીવે ગ્રહણ કર્યા તે જીવ ફરી તે જ પ્રકારના સ્નિગ્ધ-રૂક્ષ સ્પર્શ, વર્ણ, રસ, ગંધ આદિથી તથા તીવ્ર, મંદ કે મધ્યમ ભાવવાળા સ્કંધો ગ્રહણ કરે ત્યારે એક નોકર્મદ્રવ્યપરિવર્તન થાય. (વચમાં બીજાં જે નોકર્મનું ગ્રહણ કરવામાં આવે તે હિસાબમાં ગણવા નહિ.) તેમાં પુદ્ગલોની સંખ્યા અને જાત (Quality) બરાબર તે જ પ્રકારના નોકર્મોની હોવી જોઈએ.
ર. કર્મદ્રવ્યપરિવર્તનનું સ્વરૂપઃ– એક જીવે એક સમયમાં આઠ પ્રકારના કર્મસ્વભાવવાળાં જે પુદ્ગલો ગ્રહણ કર્યાં તેવાં જ કર્મસ્વભાવવાળાં પુદ્ગલો ફરી ગ્રહણ કરે ત્યારે એક કર્મદ્રવ્યપરિવર્તન થાય. (વચમાં તે ભાવોમાં જરાપણ ફેરવાળા બીજા જે જે રજકણો ગ્રહણ કરવામાં આવે તે હિસાબમાં ગણવા નહિ). તે આઠ પ્રકારનાં કર્મપુદ્ગલોની સંખ્યા અને જાત બરાબર તે જ પ્રકારનાં કર્મપુદ્ગલોની હોવી જોઈએ.
ખુલાસો– આજે એક સમયે શરીર ધારણ કરતાં નોકર્મ અને દ્રવ્યકર્મના પુદ્ગલોનો સંબંધ એક અજ્ઞાની જીવને થયો, ત્યાર પછી નોકર્મ અને દ્રવ્યકર્મોનો સંબંધ તે જીવને બદલાયા કરે છે; એ પ્રમાણે ફેરફાર થતાં જ્યારે તે જીવ ફરીને તેવું જ શરીર ધારણ કરી તેવાં જ નોકર્મ અને દ્રવ્યકર્મોને પ્રાપ્ત કરે ત્યારે એક દ્રવ્યપરિવર્તન પૂરું કર્યું કહેવાય છે. (નોકર્મદ્રવ્યપરિવર્તન અને કર્મદ્રવ્યપરિવર્તનનો કાળ સમાન જ હોય છે.)
જીવને વિકારી અવસ્થામાં આકાશના ક્ષેત્ર સાથે થતા સંબંધને ક્ષેત્રપરિવર્તન કહેવાય છે. લોકના આઠ મધ્યપ્રદેશોને પોતાના શરીરના આઠ મધ્યપ્રદેશ બનાવીને કોઈ જીવ સૂક્ષ્મનિગોદમાં અપર્યાપ્ત સર્વજઘન્ય શરીરવાળો થયો અને ક્ષુદ્રભવ (શ્વાસના અઢારમા ભાગની સ્થિતિ) પામ્યો; પછી ઉપર કહેલ આઠ પ્રદેશોની અડોઅડ એકેક અધિક પ્રદેશને સ્પર્શી સમસ્ત લોકને પોતાના જન્મક્ષેત્રરૂપે પ્રાપ્ત કરે ત્યારે એક ક્ષેત્રપરિવર્તન પૂરું થયું કહેવાય. (વચ્ચે ક્ષેત્રનો ક્રમ છોડીને બીજે જ્યાં જ્યાં જન્મ્યો તે ક્ષેત્રોને ગણવાં નહિ.)
ખુલાસો– મેરૂપર્વતના તળિયેથી શરૂ કરીને ક્રમે ક્રમે એકેક પ્રદેશ આગળ વધતાં આખા લોકમાં જન્મ ધારણ કરતાં એક જીવને જેટલો વખત લાગે તેટલા વખતમાં એક ક્ષેત્રપરિવર્તન પૂરું થયું કહેવાય છે.