Moksha Shastra (Gujarati). Sutra: 15 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 203 of 655
PDF/HTML Page 258 of 710

 

અ. ૨. સૂત્ર ૧૪-૧પ ] [ ૨૦૩

(૩) ત્રણ ઇન્દ્રિયો જીવને સ્પર્શન, રસના અને ધ્રાણ (નાક) એ ત્રણ ઇન્દ્રિયો જ હોય છે; તેને ધ્રાણ ઇન્દ્રિય વધતાં કુલ સાત પ્રાણો હોય છે.

(૪) ચાર ઇન્દ્રિય જીવને સ્પર્શન, રસના, ધ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયો હોય છે. તેને ચક્ષુ ઇન્દ્રિય વધતાં કુલ આઠ પ્રાણો હોય છે.

(પ) પંચેન્દ્રિય જીવને સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર (કાન) એ પાંચ ઇન્દ્રિયો હોય છે; તેને કર્ણ ઇન્દ્રિય વધતાં કુલ નવ પ્રાણો અસંજ્ઞીને હોય છે. આ પાંચ ઇન્દ્રિયોમાં ઉપર જે ક્રમ કહ્યો તેનાથી આડી અવળી ઇન્દ્રિયો કોઈ જીવને હોતી નથી; જેમકે સ્પર્શન અને ચક્ષુ એ બે ઇન્દ્રિયો કોઈ જીવને હોઈ શકે નહિ, પણ જો બે હોય તો તે સ્પર્શ અને રસના જ હોય. સંજ્ઞી જીવને મનબળ હોય છે તેથી તેને કુલ દશ પ્રાણો હોય છે.

(૬) ઇન્દ્રિયો ભાવ અને દ્રવ્ય એમ બે પ્રકારે હોય છે, તે સૂત્ર ૧૬ થી ૧૯ સુધીમાં કહેવામાં આવશે. ઇન્દ્રિયોનો ક્રમ સૂત્ર ૧૯ માં આપ્યો છે.।। ૧૪।।

ઇન્દ્રિયોની સંખ્યા
पंचेन्द्रियाणि।। १५।।
અર્થઃ– [इन्द्रियाणि] ઇન્દ્રિયો [पंच] પાંચ છે.
ટીકા

(૧) ઇન્દ્રિયો પાંચ હોય છે, વધારે હોતી નથી. ‘ઇન્દ્ર’ કહેતાં આત્માને એટલે સંસારી જીવને ઓળખાવનારું જે ચિહ્ન તેને ઇન્દ્રિય કહે છે દરેક દ્રવ્ય-ઇન્દ્રિય પોતપોતાના વિષયનું જ્ઞાન ઊપજે તેમાં નિમિત્તકારણ છે, કોઈ ઇન્દ્રિય બીજી કોઈ ઇન્દ્રિયને આધીન નથી. જુદી જુદી એકેક ઇન્દ્રિય પરની અપેક્ષારહિત છે-એટલે કે અહમિન્દ્રની જેમ દરેક પોતપોતાને આધીન છે એવી ઐશ્વર્યતા (મોટાઈ) ઘરે છે.

પ્રશ્નઃ– વચન, હાથ, પગ, ગુદા અને લિંગને પણ ઇન્દ્રિય ગણવી જોઈએ? ઉત્તરઃ– નહિ, અહીં ઉપયોગનું પ્રકરણ છે. ઉપયોગમાં સ્પર્શાદિ ઇન્દ્રિયો નિમિત્ત છે તેથી તેને ઇન્દ્રિય માનવી વ્યાજબી છે. વચન વગેરે ઉપયોગમાં નિમિત્ત નથી, તે તો (જડ) ક્રિયાનાં સાધન છે; અને ક્રિયાનાં કારણ હોવાથી જો તેને ઇન્દ્રિય કહીએ તો મસ્તક વગેરે બધાં અંગોપાંગ (ક્રિયાનાં સાધન) છે તેમને ઇન્દ્રિયો કહેવી જોઈએ. માટે ઉપયોગમાં જે નિમિત્તકારણ હોય તે ઇન્દ્રિયનું લક્ષણ છે એમ માનવું વ્યાજબી છે.