૨૨૦ ] [ મોક્ષશાસ્ત્ર
જેને આ શરીરોનો સંબંધ ન હોય તેને સંસારીપણું હોતું નથી-સિદ્ધપણું હોય છે. એટલું લક્ષમાં રાખવું કે કોઈ પણ જીવને ખરેખર (પરમાર્થે) શરીર હોતું નથી. જો જીવને ખરેખર શરીર હોય તો જીવ જડ-શરીરરૂપ થઈ જાય, પણ તેમ બને નહિ. જીવ અને શરીર બન્ને એક આકાશક્ષેત્રે (એકક્ષેત્રાવગાહસંબંધે) હોય છે તેથી અજ્ઞાની શરીરને પોતાનું માને છે; અવસ્થાદ્રષ્ટિએ જીવ અનાદિથી અજ્ઞાની છે તેથી ‘અજ્ઞાનીના આ પ્રતિભાસ’ ને વ્યવહાર જણાવી, તેને ‘જીવનું શરીર’ કહેવામાં આવે છે. એ રીતે જીવના વિકારીભાવનો અને આ શરીરનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવ્યો છે, પણ જીવ અને શરીર એક દ્રવ્યરૂપ, એક ક્ષેત્રરૂપ, એક પર્યાય (-કાળ) રૂપ કે એક ભાવરૂપ થઈ જાય છે-એમ બતાવવાનો શાસ્ત્રોનો હેતુ નથી; તેથી આગલા સૂત્રમાં ‘સંબંધ’ શબ્દ વાપર્યો છે. જો એમ જીવ અને શરીર એકરૂપ થાય તો બન્ને દ્રવ્યોનો સર્વથા નાશ થાય. ।। ૪૨।।
तदादीनि भाज्यानि युगपदेकस्याचतुर्भ्यः।। ४३।।
[युगपद्] એક સાથે [एकस्य] એક જીવને [आचतुभ्यंः] ચાર શરીરો સુધી [भाज्यानि] વિભક્ત કરવા જોઈએ અર્થાત્ જાણવા.
જીવને જો બે શરીરો હોય તો તૈજસ અને કાર્મણ, ત્રણ હોય તો તૈજસ, કાર્મણ અને ઔદારિક, અથવા તો તૈજસ, કાર્મણ અને વૈક્રિયિક, ચાર હોય તો તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક, અથવા તો તૈજસ, કાર્મણ, ઔદારિક અને (લબ્ધિવાળા જીવને) વૈક્રિયિક શરીરો હોય છે. આમાં (લબ્ધિવાળા જીવને) ઔદારિક સાથે જે વૈક્રિયિક શરીર હોવાનું જણાવ્યું છે તે શરીર ઔદારિકની જાતનું છે, દેવના વૈક્રિયિક શરીરના રજકણોની જાતનું તે નથી. ।। ૪૩।।