Moksha Shastra (Gujarati). Sutra: 49 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 223 of 655
PDF/HTML Page 278 of 710

 

અ. ૨. સૂત્ર ૪૯ ] [ ૨૨૩

ટીકા

(૧) તૈજસશરીરના બે ભેદ છે-અનિઃસરણ અને નિઃસરણ. અનિઃસરણ સર્વ સંસારી જીવોને દેહની દીપ્તિનું કારણ છે, તે લબ્ધિપ્રત્યય નથી, તેનું સ્વરૂપ સૂત્ર ૩૬ ની ટીકામાં આવી ગયું છે.

(ર) નિઃસરણ-તૈજસ શુભ અને અશુભ એમ બે પ્રકારનું છે. તપશ્ચરણના ધારક મુનિને કોઈ ક્ષેત્રમાં રોગ, દુષ્કાળાદિ વડે લોકોને દુઃખી દેખીને જો અત્યંત કરુણા ઊપજી આવે તો તેમના જમણા ખભામાંથી એક તૈજસ પિંડ નીકળી બાર યોજન સુધીના જીવોનું દુઃખ મટાડી મૂળ શરીરમાં પ્રવેશ કરે છે, તેને નિઃસરણશુભતૈજસશરીર કહેવાય છે; અને કોઈ ક્ષેત્રે મુનિ અત્યંત ક્રોધિત થાય તો ઋદ્ધિના પ્રભાવથી તેમના ડાબા ખભામાંથી સિંદૂરસમાન રાતા અગ્નિરૂપ એક શરીર નીકળી બાર યોજન સુધીના બધા જીવોનાં શરીરને તથા બીજાં પુદ્ગલોને બાળી ભસ્મ કરી મૂળ શરીરમાં પ્રવેશ કરી તે મુનિને પણ દગ્ધ કરે છે, (તે મુનિ નરકને પ્રાપ્ત થાય છે) તેને નિઃસરણઅશુભતૈજસશરીર કહેવાય છે. ।। ૪૮।।

આહારક શરીરના સ્વામી તથા તેનું લક્ષણ
शुभं विशुद्धमव्याघाति चाहारकं प्रमत्तसंयतस्यैव।। ४९।।
અર્થઃ– [आहारकं] આહારકશરીર [शुभम्] શુભ છે અર્થાત્ તે શુભકાર્ય કરે

છે, [विशुद्धम्] વિશુદ્ધ છે અર્થાત્ તે વિશુદ્ધકર્મ (મંદકષાયથી બંધાતાં કર્મ) નું કાર્ય છે [च अव्याघाति] અને વ્યાઘાત-બાધારહિત છે તથા [प्रमत्तसंयतस्य एव] પ્રમત્તસંયત (છઠ્ઠા ગુણસ્થાનવર્તી) મુનિને જ તે શરીર હોય છે.

ટીકા

(૧) આ શરીર ચંદ્રકાન્તમણિ સમાન શ્વેતવર્ણનું એક હાથ પ્રમાણ હોય છે; તે પર્વત, વજ્ર વગેરેથી રોકાતું નથી તેથી અવ્યાઘાત છે. આ શરીર પ્રમત્તસંયમી મુનિના મસ્તકમાંથી નીકળે છે, પ્રમત્તસંયત ગુણસ્થાને જ આ શરીર હોય છે, બીજે હોતું નથી; તેમ જ બધા પ્રમત્તસંયત મુનિઓને આ શરીર હોતું નથી.

(ર) તે આહારકશરીર ૧. કદાચિત્ લબ્ધિવિશેષનો સદ્ભાવ જાણવા માટે, ર. કદાચિત્ સૂક્ષ્મપદાર્થના નિર્ણય માટે તથા ૩. કદાચિત્ તીર્થગમન કે સંયમની રક્ષા અર્થે કેવળી ભગવાન અગર શ્રુતકેવળી ભગવાન પાસે જતાં સ્વયં નિર્ણય કરી અંતર્મુહૂર્તમાં પાછું આવી સંયમી મુનિના શરીરમાં પ્રવેશ કરે છે.