Moksha Shastra (Gujarati). Sutra: 50 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 224 of 655
PDF/HTML Page 279 of 710

 

૨૨૪ ] [ મોક્ષશાસ્ત્ર

(૩) જે વખતે ભરત-ઐરાવત ક્ષેત્રોમાં તીર્થંકર ભગવાનની, કેવળીની કે શ્રુતકેવળીની વિદ્યમાનતા ન હોય અને તેના વિના મુનિનું સમાધાન થઈ શકે નહિ ત્યારે મહાવિદેહક્ષેત્રમાં જ્યાં તીર્થંકર ભગવાન વગેરે બિરાજમાન હોય ત્યાં તે (ભરત કે ઐરાવતક્ષેત્રના) મુનિનું આહારક શરીર જાય; ભરત-ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનાદિ હોય ત્યારે તે નજીકના ક્ષેત્રે જાય છે. મહાવિદેહમાં તીર્થંકરો ત્રણેકાળ હોય છે તેથી ત્યાંના મુનિને તેવો પ્રસંગ આવે તો તેમનું આહારક શરીર તે ક્ષેત્રના તીર્થંકરાદિ પાસે જાય છે.

(૪) ૧-દેવો અનેક વૈક્રિયિકશરીર કરી શકે છે, મૂળ શરીરસહિત દેવ સ્વર્ગલોકમાં વિદ્યમાન રહે અને વિક્રિયા વડે અનેક શરીર કરી બીજા ક્ષેત્રમાં જાય છે. કોઈ સામર્થ્યધારક દેવ પોતાનાં એક હજાર રૂપો કરી શકે છે, તે હજારે શરીરોમાં તે દેવના આત્માના પ્રદેશો છે. મૂળ વૈક્રિયિકશરીર જઘન્ય દસ હજાર વર્ષ સુધી રહે છે, અગર વધારે જેટલું આયુષ્ય હોય તેટલો કાળ રહે છે. ઉત્તરવૈક્રિયિકશરીરનો કાળ જઘન્ય તથા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ છે. તીર્થંકર ભગવાનના જન્મ વખતે તથા નંદીશ્વરાદિકનાં જિનમંદિરોની પૂજા માટે દેવો જાય છે ત્યારે વારંવાર વિક્રિયા કરે છે.

ર-પ્રમત્તસંયત મુનિનું આહારકશરીર દૂર ક્ષેત્ર વિદેહાદિકમાં જાય છે. ૩-તૈજસશરીર બાર જોજન (૪૮ ગાઉ) જાય છે. ૪-આત્મા અખંડ છે, તેના ખંડ થતા નથી. આત્માના અસંખ્યાત પ્રદેશો છે તે કાર્મણશરીર સાથે નીકળે છે. મૂળ શરીર તો જેવું છે તેવું જ બન્યું રહે છે, અને તેમાં પણ દરેક સ્થળે આત્માના પ્રદેશો રહે જ છે.

(પ) જેમ અન્નને પ્રાણ કહેવા તે ઉપચાર છે તેમ આ સૂત્રમાં આહારક શરીરને ‘શુભ’ કહેલું છે તે પણ ઉપચાર છે. બન્ને સ્થાનોમાં કારણમાં કાર્યનો ઉપચાર (અર્થાત્ વ્યવહાર) કરવામાં આવ્યો છે. જેમ અન્નનું ફળ પ્રાણ છે તેમ શુભનું ફળ આહારકશરીર છે તેથી આ ઉપચાર છે. ।। ૪૯।।

લિંગ અર્થાત્ વેદના સ્વામી
नारकसम्मूर्च्छिनो नपुंसकानि।। ५०।।
અર્થઃ– [नारक सम्मूर्च्छिनो] નારકી અને સમ્મૂર્ચ્છન જન્મવાળા

[नपुंसकानि] નપુંસક હોય છે.