Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 240 of 655
PDF/HTML Page 295 of 710

 

૨૪૦ ] [ મોક્ષશાસ્ત્ર

દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચારે ગતિ સદાય છે; તે કલ્પિત નથી પણ જીવોના પરિણામનું ફળ છે. જેણે બીજાને મારી નાખવાના ક્રૂર ભાવ કર્યા તેના ભાવમાં, પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનાર કેટલા જીવો મારી નાખવા તે સંખ્યાની હદ નથી, તથા કેટલો કાળ મારવા તે કાળની હદ નથી, તેથી તેનું ફળ પણ હદ વિનાનું અનંત દુઃખ ભોગવવાનું જ હોય, એવું સ્થાન તે નરક છે; મનુષ્યલોકમાં એવું કોઈ સ્થાન નથી.

જે કોઈ બીજાને મારીને અગવડતા ટાળવા માગે છે તે જેટલા વિરોધી જણાય તે બધાને મારવા ઈચ્છે છે, પછી અગવડતા કરનારા બે-પાંચ હોય કે ઘણા હોય તે બધાયનો નાશ કરવાની ભાવના સેવે છે; તેના અભિપ્રાયમાં અનંત કાળ સુધી અનંત ભવ કરવાના ભાવ પડયા છે; તે ભવની અનંત સંખ્યાના કારણમાં અનંત જીવ મારવાનો-સંહાર કરવાનો ભાવ છે. જે જીવે કારણમાં અનંતકાળ સુધી અનંત જીવને મારવાના, અગવડતા દેવાના ભાવ સેવ્યા છે તેના ફળમાં તે જીવને તીવ્ર દુઃખના સંયોગમાં જવું પડે છે અને તે નરકગતિ છે. લાખો ખૂન કરનારને લાખવાર ફાંસી મળે તેવું આ લોકમાં બનતું નથી તેથી તેને ક્રૂર ભાવ પ્રમાણે પૂરું ફળ મળતું નથી, તેને તેના ભાવનું પૂરું ફળ મળવાનું સ્થાન-ઘણો કાળ અનંત દુઃખ ભોગવવાનું ક્ષેત્ર-નરક છે; તે નીચે શાશ્વત છે. ।। ।।

નારકીઓનાં દુઃખનું વર્ણન
नारका नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः।। ३।।

અર્થઃ– નારકી જીવો હંમેશા જ અત્યંત અશુભ લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાને ધારણ કરે છે.

ટીકા

(૧) લેશ્યા–આ દ્રવ્યલેશ્યાનું સ્વરૂપ છે કે જે આયુ સુધી રહે છે. શરીરના રંગને અહીં દ્રવ્યલેશ્યા કહી છે. ભાવલેશ્યા અંતર્મુહૂર્તમાં બદલાય છે તેનું વર્ણન અહીં નથી. અશુભલેશ્યાના ત્રણ પ્રકાર છે. -કાપોત, નીલ અને કૃષ્ણ. પહેલી તથા બીજી પૃથ્વીમાં કોપોત લેશ્યા, ત્રીજી પૃથ્વીમાં ઉપરના ભાગમાં કાપોત અને નીચેના ભાગમાં નીલ, ચોથીમાં નીલ, પાંચમીમાં ઉપરના ભાગમાં નીલ અને નીચેના ભાગમાં કૃષ્ણ અને છઠ્ઠી તથા સાતમી પૃથ્વીમાં કૃષ્ણલેશ્યા હોય છે.