ભૂમિકા
આ શાસ્ત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે એમ જણાવ્યું. ત્યાર પછી બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનનું લક્ષણ ‘તત્ત્વાર્થશ્રદ્ધાન’ છે એમ કહ્યું. પછી જે તત્ત્વોના યથાર્થ શ્રદ્ધાનથી સમ્યગ્દર્શન થાય છે તેનાં નામો આપી, સાત તત્ત્વો છે એમ ચોથા સૂત્રમાં જણાવ્યું. તે સાત તત્ત્વોમાંથી પ્રથમ જીવતત્ત્વ છે. તે જીવનું સ્વરૂપ સમજાવવા માટે બીજા અધ્યાયમાં જીવના ભાવો, જીવનું લક્ષણ, ઇંદ્રિયો-જન્મ-શરીર વગેરે સાથેનો સંસારી જીવોનો નિમિત્ત-નૈમિત્તિક-સંબંધ કેવા પ્રકારનો હોય છે તે જણાવ્યું.
ત્રીજા અધ્યાયમાં, ચાર પ્રકારના સંસારી જીવોમાંથી નારકી જીવોનું વર્ણન આપ્યું; જીવોને રહેવાનાં સ્થાનો જણાવ્યાં અને તેમાંથી મનુષ્યોને તથા બીજા જીવોને રહેવાનાં ક્ષેત્રો કયા છે તે જણાવ્યું. તેમજ મનુષ્યો તથા તિર્યંચોનાં આયુષ્ય વગેરે સંબંધી કેટલીક બાબતો વર્ણવી.
એ પ્રમાણે સંસારની ચાર ગતિના જીવોમાંથી મનુષ્ય, તિર્યંચ અને નારક એ ત્રણનું વર્ણન ત્રીજા અધ્યાયમાં આવી ગયું; હવે દેવોને લગતો અધિકાર બાકી રહે છે. તે આ ચોથા અધ્યાયમાં મુખ્યપણે આપવામાં આવ્યો છે. આ રીતે, પૂર્વે અધ્યાય ર, સૂત્ર ૧૦માં જીવના બે ભેદ (સંસારી અને મુક્ત) જણાવ્યા હતા તેમાંથી સંસારી જીવો સંબંધી અધિકાર આવી જતાં મુક્ત જીવોનો અધિકાર બાકી રહે છે; મુક્તજીવોનો વિષય દસમા અધ્યાયમાં વર્ણવ્યો છે.
અર્થઃ– દેવો ચાર સમૂહવાળા છે અર્થાત્ દેવના ચાર ભેદ છે-૧. ભવનવાસી, ર. વ્યન્તર, ૩. જયોતિષી અને ૪. વૈમાનિક.