ર- પ્રવચનસાર ગાથા ૪૭ ની ટીકામાં સર્વજ્ઞના જ્ઞાનસ્વભાવનું વર્ણન કરતાં કહે છે કે “અતિ વિસ્તારથી બસ થાઓ, જેનો અનિવારિત પ્રસાર (ફેલાવ) છે, ક્ષાયિકજ્ઞાન એવું પ્રકાશમાન હોવાથી અવશ્યમેવ સર્વદા, સર્વત્ર, સર્વથા સર્વને જાણે છે.” આથી જ સાબિત થાય છે કે સર્વ જ્ઞેયોનું સંપૂર્ણ સ્વરૂપ-પ્રત્યેક સમયમાં કેવળજ્ઞાન પ્રત્યે સુનિશ્ચિત હોવાથી અનાદિ અનંત ક્રમબદ્ધક્રમવર્તી પર્યાયો કેવળજ્ઞાનીના જ્ઞાનમાં સ્પષ્ટ પ્રતિભાસિત છે અને તે સુનિશ્ચિત હોવાથી બધાં દ્રવ્યોની બધી પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે; આઘીપાછી, અગમ્ય અથવા અનિશ્ચિત થતી નથી.
૩- પર્યાયને ક્રમવર્તી પણ કહેવામાં આવે છે તેનો અર્થ શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૮ ની ટીકામાં એવો કરેલ છે કે- “કારણ કે તે (પર્યાયો) ક્રમવર્તી હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય છે અને વીતી જાય છે” પછી ગાથા ર૧ ની ટીકામાં કહ્યું છે કે “જ્યારે જીવ, દ્રવ્યની ગૌણતાથી તથા પર્યાયની મુખ્યતાથી વિવક્ષિત થાય છે ત્યારે તે (૧) ઊપજે છે, (ર) વિણસે છે, (૩) જેનો સ્વકાળ વીતી ગયો છે એવા સત્ (વિદ્યમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરે છે અને (૪) જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે (આવ્યો) છે એવા અસત્ને (અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરે છે.
૪- પંચાધ્યાયી ભાગ ૧ ગાથા ૧૬૭-૬૮માં કહેલ છે કે “ક્રમ ધાતુ છે તે પાદવિક્ષેપ અર્થમાં પ્રસિદ્ધ છે.” ગમન કરતી વખતે પગ ડાબો-જમણો ક્રમસર જ ચાલે છે, ઊલટા ક્રમથી નથી ચાલતો. એ પ્રમાણે દ્રવ્યોની પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે, જે પોતપોતાના કાળમાં પ્રગટ થાય છે, તેમાં કોઈ કાળે પહેલાંની પછી અને પછી થવાવાળી પ્રથમ-એમ થતી નથી, માટે પ્રત્યેક પર્યાય પોતાના સમયમાં જ ક્રમાનુસાર પ્રગટ થતી રહે છે.
પ- પર્યાયને ક્રમભાવી પણ કહેવામાં આવે છે. શ્રી પ્રમેયકમલમાર્તણ્ડ ન્યાયશાસ્ત્રમાં (૩, પરોક્ષ પરિ. સૂ. ૩ ગા. ૧૭-૧૮ની ટીકામાં) કહ્યું છે કે-
पूर्वोत्तर चारिणोः कृतिकाशकटोदयादिस्वरुपयोः कार्यकारणयोश्चाग्निधूमादि स्वरुपयो इतिः।
નક્ષત્રોના દ્રષ્ટાન્તથી પણ સિદ્ધ થાય છે કે જેમ નક્ષત્રોના ગમનનું ક્રમભાવીપણું કદી પણ નિશ્ચિત ક્રમને છોડીને આડું અવળું થતું નથી, તેમ જ દ્રવ્યોની પ્રત્યેક પર્યાયનો ઉત્પાદ-વ્યયરૂપ પ્રવાહનો ક્રમ પોતાના નિશ્ચિત ક્રમને છોડીને કદી પણ આડોઅવળો થતો નથી પરંતુ તેનો નિશ્ચિત સ્વસમયમાં ઉત્પાદ થતો રહે છે.
૬- કેવળી-સર્વજ્ઞના જ્ઞાનપ્રતિ સર્વજ્ઞેયો-સર્વ દ્રવ્યોની ત્રિકાલવર્તી સર્વ પર્યાયો જ્ઞેયપણે નિશ્ચિત જ છે અને ક્રમબદ્ધ છે, તેની સિદ્ધિ કરવાને માટે પ્રવચનસાર