અ. ૪ ઉપસંહાર ] [ ૨૯૯
૪. અસ્તિ અને નાસ્તિ એ બન્ને, જીવના સ્વભાવ છે તોપણ તે બન્ને એક સાથે કહેવા અશક્ય છે, એ અપેક્ષાએ જીવ ‘સ્યાત્ અવક્તવ્ય’ છે; એ ચોથો ભંગ થયો.
પ. જીવનું સ્વરૂપ જે વખતે અસ્તિથી કહી શકાય છે તે વખતે નાસ્તિ તથા બીજા ગુણો વગેરે કહી શકતા નથી-અવક્તવ્ય છે; તેથી જીવ ‘સ્યાત્ અસ્તિ- અવક્તવ્ય’ છે; એ પાંચમો ભંગ થયો.
૬. જીવનું સ્વરૂપ જે વખતે નાસ્તિથી કહી શકાય છે તે વખતે અસ્તિ તથા બીજા ગુણો વગેરે કહી શકતા નથી- અવક્તવ્ય છે; તેથી જીવ ‘સ્યાત્ નાસ્તિ- અવક્તવ્ય’ છે; એ છઠ્ઠો ભંગ થયો.
૭. સ્યાત્ અસ્તિ અને સ્યાત્ નાસ્તિ એ બન્ને ભંગ ક્રમથી વક્તવ્ય છે પણ યુગપત્ વક્તવ્ય નથી, તેથી જીવ ‘સ્યાત્ અસ્તિ-નાસ્તિવક્તવ્ય’ છે; એ સાતમો ભંગ થયો.
જીવ સ્યાત્ અસ્તિ છે. ૧. જીવ સ્યાત્ નાસ્તિ છે. ર. જીવ સ્યાત્ અસ્તિ - નાસ્તિ છે. ૩. જીવ સ્યાત્ અવક્તવ્ય છે. ૪. જીવ સ્યાત્ અસ્તિ-અવક્તવ્ય છે. પ. જીવ સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય છે. ૬. જીવ સ્યાત્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય છે. ૭.
‘સ્યાત્’નો અર્થ કેટલાક ‘સંશય કરે છે, પરંતુ તે તદ્ન ભૂલ છે; ‘કથંચિત્ કોઈ અપેક્ષાએ’ એવો તેનો અર્થ થાય છે, સ્યાત્ કથનથી (સ્યાદ્વાદથી) વસ્તુસ્વરૂપના જ્ઞાનની વિશેષ દ્રઢતા થાય છે.
‘અસ્તિ’ તે સ્વાશ્રય છે, તેથી નિશ્ચયનયે અસ્તિ છે, અને નાસ્તિ તે પરાશ્રય છે માટે વ્યવહારનયે નાસ્તિ છે. બાકીના પાંચે ભંગો વ્યવહારનયે છે કેમકે તેઓ ઓછે કે વધારે અંશે પરની અપેક્ષા રાખે છે.
‘અસ્તિ’ના નિશ્ચય અસ્તિ અને વ્યવહાર અસ્તિ એમ બે ભેદ પડી શકે છે. જીવનો શુદ્ધ પર્યાય તે નિશ્ચયનયે અસ્તિ છે કેમ કે તે જીવનું સ્વરૂપ છે. અને વિકારી પર્યાય તે વ્યવહારનયે અસ્તિરૂપ છે કેમ કે તે જીવનું સ્વરૂપ નથી. વિકારી પર્યાય અસ્તિરૂપ છે ખરો, પરંતુ તે ટાળવાયોગ્ય છે; વ્યવહારનયે તે જીવનો છે અને નિશ્ચયનયે જીવનો નથી.