Moksha Shastra (Gujarati). Anekant.

< Previous Page   Next Page >


Page 301 of 655
PDF/HTML Page 356 of 710

 

૩૦૦ ] [ મોક્ષશાસ્ત્ર

‘અસ્તિ’મા બીજી રીતે ઊતરતા નયો

‘અસ્તિ’નો અર્થ ‘સત્’ થાય છે, સત્ ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત હોય છે; તેમાં ધ્રૌવ્ય તે નિશ્ચયનયે અસ્તિ છે અને ઉત્પાદ-વ્યય તે વ્યવહારનયે અસ્તિ છે. જીવનું ધ્રૌવ્ય સ્વરૂપ ત્રિકાળી અખંડ શુદ્ધ ચૈતન્યચમત્કાર માત્ર છે, તે કદી વિકાર પામતું નથી; માત્ર ઉત્પાદરૂપ પર્યાયમાં પરલક્ષે ક્ષણિક વિકાર થાય છે. જીવ પોતાનું સ્વરૂપ સમજીને જ્યારે પોતાના ધ્રૌવ્યસ્વરૂપ તરફ વળે છે ત્યારે શુદ્ધ પર્યાય પ્રગટે છે.

પ્રમાણ

શ્રુતપ્રમાણનો એક અંશ તે નય છે. જ્યાં શ્રુતપ્રમાણ ન હોય ત્યાં નય હોય નહિ; જ્યાં નય હોય ત્યાં શ્રુતપ્રમાણ હોય જ. પ્રમાણ તે બન્ને નયોના વિષયનું યથાર્થ જ્ઞાન કરે છે; તેથી અસ્તિ-નાસ્તિનું એક સાથે જ્ઞાન તે પ્રમાણજ્ઞાન છે.

નિક્ષેપ

અહીં જીવ જ્ઞેય છે; જ્ઞેયનો અંશ તે નિક્ષેપ છે. અસ્તિ, નાસ્તિ વગેરે ભંગો તે જીવના અંશો છે. જીવ સ્વજ્ઞેય છે અને અસ્તિ, નાસ્તિ વગેરે સ્વજ્ઞેયના અંશરૂપ નિક્ષેપ છે; આ ભાવનિક્ષેપ છે. તેનું યથાર્થ જ્ઞાન તે નય છે. નિક્ષેપ તે વિષય છે અને નય તે તેનો વિષય કરનાર (વિષયી) છે.

સ્વજ્ઞેય

જીવ સ્વજ્ઞેય છે તેમ જ પોતે જ્ઞાનસ્વરૂપ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય જ્ઞેય છે અને તેનો ત્રિકાળી જાણવાનો સ્વભાવ તે ગુણ છે; તથા જ્ઞાનનો વર્તમાન પર્યાય તે સ્વજ્ઞેયને જાણે છે. સ્વજ્ઞેયને જાણવામાં જો સ્વપરનું ભેદવિજ્ઞાન હોય તો જ જ્ઞાનનો સાચો પર્યાય છે.

અનેકાંત
[સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૧૧-૩૧૨, પા. ૧૧૮ થી ૧૨૦ ના આધારે]

૧. વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. જેમાં અનેક અંત એટલે કે ધર્મ હોય તે અનેકાંત કહેવાય છે. તે ધર્મોમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અનેકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, ભેદત્વ, અભેદત્વ, અપેક્ષાત્વ, અનપેક્ષાત્વ, દૈવસાધ્યત્વ, પૌરુષસાધ્યત્વ, હેતુસાધ્યત્વ, આગમસાધ્યત્વ, અંતરંગત્વ, બહિરંગત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, ઇત્યાદિ ધર્મો તો સામાન્ય છે; અને જીવત્વ, અજીવત્વ, સ્પર્શત્વ-રસત્વ-ગંધત્વ-વર્ણત્વ, શબ્દત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, સંસારિત્વ, સિદ્ધત્વ, અવગાહહેતુત્વ, ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, વર્તનાહેતુત્વ