Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 304 of 655
PDF/HTML Page 359 of 710

 

અ. ૪ ઉપસંહાર ] [ ૩૦૩ છે અને ગૌણને વ્યવહાર કહ્યો છે. તેમાં અભેદધર્મને તો મુખ્ય કરીને તેને નિશ્ચયનો વિષય કહ્યો અને ભેદનયને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો. દ્રવ્ય તો અભેદ છે, તેથી નિશ્ચયનો આશ્રય દ્રવ્ય છે; અને પર્યાય ભેદરૂપ છે, તેથી વ્યવહારનો આશ્રય પર્યાય છે. તેમાં પ્રયોજન આ પ્રમાણે છે કે, ભેદરૂપ વસ્તુને સર્વ લોક જાણે છે, તેમને ભેદરૂપ વસ્તુ જ પ્રસિદ્ધ છે, તેથી કરીને લોક પર્યાયબુદ્ધિ છે. જીવના નર, નારકાદિ પર્યાયો છે, તથા રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ આદિ પર્યાયો છે તેમ જ જ્ઞાનના ભેદરૂપ મતિજ્ઞાનાદિક પર્યાયો છે. તે પર્યાયોને જ લોકો જીવ સમજે છે; તેથી (- અર્થાત્ તે પર્યાયબુદ્ધિ છોડાવવાના પ્રયોજનથી) તે પર્યાયમાં અભેદરૂપ અનાદિ-અનંત એક ભાવ જે ચેતનાધર્મ છે તેને ગ્રહણ કરી નિશ્ચયનયનો વિષય કહીને જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયાશ્રિત જે ભેદનય તેને ગૌણ કર્યો; તથા અભેદદ્રષ્ટિમાં તે ભેદ દેખાતા નથી તેથી અભેદનયની દ્રઢ શ્રદ્ધા કરાવવા માટે કહ્યું કે-જે પર્યાયનય છે તે વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ભેદબુદ્ધિતા એકાંતનું નિરાકરણ કરવા માટે આ કથન જાણવું.

(ર) અહીં એમ ન સમજવું કે જે ભેદ છે તેને અસત્યાર્થ કહ્યા છે. તેથી ભેદ તે વસ્તુનું સ્વરૂપ જ નથી. ‘ભેદ નથી’ એમ જો સર્વથા માને તો તે અનેકાન્તને સમજ્યા નથી, સર્વથા એકાંત શ્રદ્ધાથી તે મિથ્યાદ્રષ્ટિ છે. અધ્યાત્મશાસ્ત્રો વિષે જ્યાં નિશ્ચય-વ્યવહારનય કહ્યા છે ત્યાં પણ તે બન્ને ના પરસ્પર વિધિ-નિધેષ વડે સપ્તભંગીથી વસ્તુ સાધવી. એક નયને સર્વથા સત્યાર્થ માને અને એકને સર્વથા અસત્યાર્થ માને તો મિથ્યા શ્રદ્ધા થાય છે, માટે ત્યાં પણ ‘કથંચિત્’ જાણવું.

પ. ઉપચાર નય

(૧) એક વસ્તુનું બીજી વસ્તુમાં આરોપણ કરીને પ્રયોજન સાધવામાં આવે ત્યાં ઉપચાર નય કહેવાય છે; તે પણ વ્યવહારમાં જ ગર્ભિત છે એ કહ્યું છે. જ્યાં પ્રયોજન કે નિમિત્ત હોય ત્યાં તે ઉપચાર પ્રવર્તે છે. ધીનો ઘડો એમ કહીએ ત્યારે, માટીના ઘડાના આશ્રયે ધી ભરેલું છે તેમાં વ્યવહારીજનોને આધાર-આધેય ભાવ ભાસે છે; તેને પ્રધાન કરીને (ધીનો ઘડો) કહેવામાં આવે છે. જો ‘ધીનો ઘડો છે’ એમ જ કહીએ તો લોક સમજે અને ‘ધીનો ઘડો’ મંગાવે ત્યારે લઈ આવે; માટે ઉપચાર વિષે પણ પ્રયોજન સંભવે છે. તથા જ્યાં અભેદનયને મુખ્ય કરવામાં આવે ત્યાં અભેદદ્રષ્ટિમાં ભેદ દેખાતા નથી, છતાં તે વખતે તેમાં (અભેદનયની મુખ્યતામાં) જ ભેદ કહે છે તે અસત્યાર્થ છે. ત્યાં પણ ઉપચારની સિદ્ધિ ગૌણપણે હોય છે.