Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 305 of 655
PDF/HTML Page 360 of 710

 

૩૦૪ ] [ મોક્ષશાસ્ત્ર

૬. સમ્યગ્દ્રષ્ટિનું અને મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન

(૧) આ મુખ્ય-ગૌણના ભેદને સમ્યગ્દ્રષ્ટિ જાણે છે; મિથ્યાદ્રષ્ટિ અનેકાન્ત વસ્તુને જાણતો નથી અને સર્વથા એક ધર્મ ઉપર દ્રષ્ટિ પડે ત્યારે તે એક ધર્મને જ સર્વથા વસ્તુ માનીને વસ્તુના અન્ય ધર્મોને તો સર્વથા ગૌણ કરીને અસત્યાર્થ માને અથવા તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે. એમ માનવાથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. જ્યાં સુધી જીવ યથાર્થ વસ્તુસ્વરૂપ જાણવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી યથાર્થ શ્રદ્ધા થતી નથી. આ અનેકાન્ત વસ્તુને પ્રમાણ-નય વડે સાતભંગથી સાધવી તે સમ્યક્ત્વનું કાર્ય છે, તેથી તેને પણ સમ્યક્ત્વ જ કહીએ છીએ-એમ જાણવું. જિનમતની કથની અનેક પ્રકારે છે તે અનેકાન્તરૂપે સમજવી.

(ર) આ સપ્તભંગીના અસ્તિ અને નાસ્તિ એ બે પ્રથમ ભેદો ખાસલક્ષમાં લેવા જેવા છે; તે બે ભેદો એમ બતાવે છે કે જીવ પોતામાં સવળા કે અવળા ભાવ કરી શકે પણ પરનું કાંઈ કરી શકે નહિ, તેમજ પરદ્રવ્યરૂપ અન્ય જીવો કે જડ કર્મ વગેરે સૌ પોતપોતામાં કાર્ય કરી શકે પણ તે કોઈ આ જીવનું ભલું, બૂરું કાંઈ કરી શકે નહિ; માટે પરવસ્તુઓ તરફથી લક્ષ ઉઠાવી અને પોતામાં પડતા ભેદોને ગૌણ કરવા માટે તે ભેદો ઉપરથી પણ લક્ષ ઉઠાવી લઈને પોતાના ત્રિકાળી અભેદ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ઉપર દ્રષ્ટિ આપવી; તેને આશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે. તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈને ઉપાદેયની બુદ્ધિ અને વીતરાગતાની પ્રાપ્તિ છે.

૭. અનેકાન્ત શું બતાવે છે?

૧. અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે. અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે; પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ છે.

ર. અનેકાંત વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી’ એમ બતાવે છે. પરપણે આત્મા નથી તેથી પરવસ્તુનું કાંઈ પણ કરવા આત્મા સમર્થ નથી; અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી.

‘તું તારાપણે છો’ તો પરપણે નથી અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી. બસ! આટલું નક્કી કર તો શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તારી પાસે જ છે.

૩. અનેકાન્ત વસ્તુને સ્વપણે સત્ બતાવે છે. સત્ને સામગ્રીની જરૂર નથી, સંયોગની જરૂર નથી; પણ સત્ને સત્ના નિર્ણયની જરૂર છે કે ‘સત્પણે છું, પરપણે નથી.’