Moksha Shastra (Gujarati). Sutra: 11 (Chapter 5).

< Previous Page   Next Page >


Page 321 of 655
PDF/HTML Page 376 of 710

 

૩૨૦ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

(૧) આમાં પુદ્ગલના સંયોગી પર્યાય (સ્કંધ) ના પ્રદેશો જણાવ્યા છે. એક એક અણુ સ્વતંત્ર પુદ્ગલદ્રવ્ય છે. તેને એક જ પ્રદેશ હોય છે, એમ સૂત્ર ૧૧માં કહ્યું છે.

(૨) સ્કંધ બે પરમાણુઓથી શરૂ કરી અનંત પરમાણુઓના થાય છે, તેનું કારણ સૂત્ર ૩૩ માં આપ્યું છે.

(૩) શંકાઃ– જ્યારે લોકાકાશના અસંખ્યાત જ પ્રદેશો છે તો તેમાં અનંત પ્રદેશવાળા પુદ્ગલદ્રવ્ય તથા બીજાં દ્રવ્યો પણ શી રીતે રહી શકે?

સમાધાનઃ– પુદ્ગલદ્રવ્યમાં બે પ્રકારનું પરિણમન થાય છે; એક સૂક્ષ્મ, બીજું સ્થૂળ. જ્યારે તેનું સૂક્ષ્મ પરિણમન થાય છે ત્યારે લોકાકાશના એક પ્રદેશમાં પણ અનંત પ્રદેશવાળો પુદ્ગલસ્કંધ રહી શકે છે. વળી બધાં દ્રવ્યોમાં એકબીજાને અવગાહન દેવાનું સામર્થ્ય છે, તેથી અલ્પ ક્ષેત્રમાં જ સમસ્ત દ્રવ્યોને રહેવામાં કાંઈ બાધા થતી નથી. આકાશમાં બધાં દ્રવ્યોને એકી સાથે સ્થાન દેવાનું સામર્થ્ય છે, તેથી એક પ્રદેશમાં અનંતાનંત પરમાણુ રહી શકે છે; જેમ ઓરડામાં એક દીવાનો પ્રકાશ રહી શકે છે અને તે જ ઓરડામાં તેટલા જ વિસ્તારમાં પચાસ દીવાનો પ્રકાશ રહી શકે છે તેમ. ।। ૧૦।।

અણુ અપ્રદેશી છે
नाणोः।। ११।।

અર્થઃ– [अणोः] પુદ્ગલના પરમાણુને [न] બે વગેરે પ્રદેશ નથી અર્થાત્ તે એકપ્રદેશી છે.

ટીકા

(૧) અણુ એક દ્રવ્ય છે, તેને એક જ પ્રદેશ છે, કેમ કે પરમાણુઓમાં ખંડનો અભાવ છે.

(ર) દ્રવ્યોનું અનેકાંત સ્વરૂપ

૧. દ્રવ્યો મૂર્ત અને અમૂર્ત એમ બે પ્રકારે છે. ૨. અમૂર્ત દ્રવ્યો ચેતન અને જડ એમ બે પ્રકારે છે. ૩. મૂર્ત દ્રવ્યો અણુ અને સ્કંધ એમ બે પ્રકારે છે. ૪. મૂર્ત દ્રવ્યો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે.