Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 323 of 655
PDF/HTML Page 378 of 710

 

૩૨૨ ] [ મોક્ષશાસ્ત્ર

૨૦. અતિકાય બે પ્રકારે છે-અખંડ અસ્તિકાય (આકાશ, ધર્મ, અધર્મ તથા જીવ), અને ઉપચરિત અસ્તિકાય (સંયોગી પુદ્ગલસ્કંધો, પુદ્ગલમાં સમૂહરૂપ થવાની શક્તિ).

૨૧. દરેક દ્રવ્યનું ગુણ તથા પર્યાયમાં અસ્તિપણું બે પ્રકારે છે-પોતાથી અસ્તિપણું, અને પરથી નાસ્તિપણાનું અસ્તિપણું.

૨૨. દરેક દ્રવ્યમાં અસ્તિપણું બે પ્રકારે છે-ધ્રુવ અને ઉત્પાદ-વ્યય. ૨૩. દ્રવ્યોમાં શક્તિ ભાવવતી તથા ક્રિયાવતી એમ બે પ્રકારે છે. ૨૪. દ્રવ્યોમાં વિભાવ સંબંધી બે પ્રકાર છે-વિભાગ સહિત (જીવ, પુદ્ગલ; તેમને અશુદ્ધ દશામાં વિભાવ હોય છે), અને વિભાવ રહિત (બીજાં દ્રવ્યો ત્રિકાળ વિભાવરહિત છે).

૨પ. દ્રવ્યોમાં વિભાવ બે પ્રકારે છે-(૧) જીવને વિજાતીય પુદ્ગલ સાથે, (૨) પુદ્ગલને સજાતીય એકબીજા સાથે તથા સજાતીય પુદ્ગલ અને વિજાતીય જીવ, બન્ને સાથે.

નોંધઃ– સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અર્હંત સર્વજ્ઞનું એક અસ્ખલિત શાસન છે. તે ‘બધું અનેકાંતાત્મક છે’ એમ ઉપદેશે છે. તે વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવે છે. તે સંશયવાદ નથી. કેટલાક કહે છે કે સ્યાદ્વાદ વસ્તુને નિત્ય અને અનિત્ય વગેરે બે પ્રકારે બન્ને પક્ષથી કહે છે, માટે સંશયનું કારણ છે; પણ તે ખોટું છે. અનેકાંતમાં તો બન્ને પક્ષ નિશ્ચિત છે તેથી તે સંશયનું કારણ નથી. (૩) દ્રવ્યપરમાણુ તથા ભાવપરમાણુનો બીજો અર્થ–જે અહીં લાગુ નથી.

પ્રશ્નઃ– ‘ચારિત્રસાર’ વગેરે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુનું ધ્યાન કરે તેને કેવળજ્ઞાન થાય. તેનો શું અર્થ છે?

ઉત્તરઃ– ત્યાં દ્રવ્યપરમાણુથી આત્મદ્રવ્યની સૂક્ષ્મતા અને ભાવપરમાણુથી ભાવની સૂક્ષ્મતા કહી છે. ત્યાં પુદ્ગલપરમાણુનું કથન નથી. રાગાદિ વિકલ્પની ઉપાધિરહિત આત્મદ્રવ્યને સૂક્ષ્મ કહેવામાં આવે છે, કારણ કે નિર્વિકલ્પ સમાધિનો વિષય આત્મદ્રવ્ય, મન અને ઇન્દ્રિયોથી અગોચર છે. ભાવ શબ્દનો અર્થ સ્વસંવેદન પરિણામ થાય છે. પરમાણુ શબ્દથી ભાવની સૂક્ષ્મ અવસ્થા સમજવી, કેમ કે વીતરાગ, નિર્વિકલ્પ, સમરસીભાવ પાંચ ઇન્દ્રિયો અને મનનાં વિષયથી અતીત છે.

(જુઓ, પરમાત્મ-પ્રકાશક અધ્યાય ૨ ગાથા ૩૩ ની ટીકા, પાનું ૧૬૮-૧૬૯)

આ અર્થો અહીં લાગુ પડતા નથી.