અ. પ સૂત્ર ૩૨ ] [ ૩પ૧ કર્મો વગેરે બધાં દ્રવ્યો સ્વતંત્ર છે અને પોતપોતાથી સ્વતંત્રપણે કાર્ય કરે છે એમ માનવાથી ‘પરસ્પર આશ્રય’ દોષ આવતો નથી.
જીવ પોતાના વિકારભાવને જાણી શકે છે છતાં તેને ટાળવાનો પ્રયત્ન કરે નહિ અને એમ માને કે ‘કર્મનો ઉદય પાતળો પડે અને માર્ગ આપે તો ધર્મ થઈ શકે’ તો તે અજ્ઞાન છે. પોતે જડ કર્મને તો દેખતો નથી, તેમ જ તેના રસને કે ઉદયને પણ દેખતો નથી. સમયે સમયે દરેક દ્રવ્યની અવસ્થા પોતપોતાના કારણે બદલતી જાય છે; ત્યાં, ‘જડ કર્મ બળવાન હોય તો જીવ પડી જાય’ એમ જે માને તેને પડી જવાનો ભય ટળે નહિ અને તેથી તેનો સંશય ટળે નહિ. સંશય તે સમ્યગ્જ્ઞાનનો દોષ છે, તે ટાળ્યા સિવાય જીવ સ્વતંત્ર પુરુષાર્થ કરી શકે નહિ અને પુરુષાર્થ વગર તે જીવને કદી ધર્મ કે સમ્યગ્દર્શન થાય નહિ. આ પ્રમાણે ઉપર્યુક્ત માન્યતામાં ‘સંશય’ દોષ આવે છે, તે ટાળવો જોઈએ.
જીવ પોતાનાં પરિણામનો જ કર્તા છે અને પોતાનું પરિણામ તેનું કર્મ છે. સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવનો અભાવ છે, તેથી જીવને અજીવની સાથે કાર્ય-કારણપણું સિદ્ધ થતું નથી. જો એક દ્રવ્ય બીજાનું કાર્ય કરે, બીજું દ્રવ્ય ત્રીજાનું કાર્ય કરે-એમ પરંપરા કહીએ તો અનંત દ્રવ્યો છે તેમાંથી કયું દ્રવ્ય કયા દ્રવ્યનું કાર્ય કરે તેનો કોઈ નિયમ રહે નહિ અને તેથી ‘અનવસ્થા’ દોષ આવે. પરંતુ જો દરેક દ્રવ્ય પોતાનું જ કાર્ય કરે અને પરનું કાર્ય ન કરી શકે એવો નિયમ સ્વીકારીએ તો વસ્તુની યથાર્થ વ્યવસ્થા જળવાઈ રહે છે. અને તેમાં કાંઈ અનવસ્થા દોષ આવતો નથી.
દરેક દ્રવ્યનું દ્રવ્યપણું-ક્ષેત્રપણું-કાળપણું (-પર્યાયપણું) અને ભાવપણું (- ગુણો) જે પ્રકારે છે તે પ્રકારે તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. જીવ શું કરી શકે અને શું ન કરી શકે, તેમ જ જડ દ્રવ્યો શું કરી શકે અને શું ન કરી શકે-તેનું જ્ઞાન ન કરવું અને તત્ત્વજ્ઞાન કરવાની ના પાડવી તે ‘અપ્રતિપત્તિ’ દોષ છે.
એક દ્રવ્ય પોતે પોતાથી સત્ છે અને તે દ્રવ્ય પરથી પણ સત્ છે એમ જો માનીએ તો ‘વિરોધ’ દોષ આવે છે. કેમ કે જીવ પોતાનું કાર્ય કરે અને પરદ્રવ્યનું- કર્મ તેમ જ પર જીવો વગેરેનું પણ કાર્ય કરે-એમ હોય તો વિરોધ દોષ લાગુ પડે છે.