Moksha Shastra (Gujarati). Sutra: 33 (Chapter 5).

< Previous Page   Next Page >


Page 353 of 655
PDF/HTML Page 408 of 710

 

૩પ૨ ] [ મોક્ષશાસ્ત્ર

(૯) અભાવ દોષ

જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે તો તે દ્રવ્યનો નાશ થાય અને એક દ્રવ્યનો નાશ થાય તો ક્રમે ક્રમે સર્વ દ્રવ્યોનો નાશ થાય, એ પ્રમાણે તેમાં ‘અભાવ’ દોષ આવે છે.

આ બધા દોષો ટાળીને વસ્તુનું અનેકાંતસ્વરૂપ સમજવા માટે આચાર્યભગવાને આ સૂત્ર જણાવ્યું છે.

અર્પિત (–મુખ્ય) અને અનર્પિત (–ગૌણ) ની વિશેષ સમજણ

જ્ઞાન સમજાવવા તથા તેનું કથન કરવા માટે કોઈ વખતે ઉપાદાનને મુખ્ય કહેવામાં આવે છે અને કોઈ વખતે નિમિત્તને, કોઈ વખતે દ્રવ્યને મુખ્ય કહેવામાં આવે છે અને કોઈ વખતે પર્યાયને, કોઈ વખતે નિશ્ચયને મુખ્ય કહેવામાં આવે છે અને કોઈ વખતે વ્યવહારને. આ પ્રમાણે જ્યારે કોઈ એક પડખાને મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે બીજા ગૌણ રહેતા પડખાનું યથાયોગ્ય જ્ઞાન કરી લેવું જોઈએ. આ મુખ્ય-ગૌણતા જ્ઞાનઅપેક્ષાએ સમજવી.

-પરંતુ સમ્યગ્દર્શનની અપેક્ષાએ હંમેશા દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરીને ઉપદેશ આપવામાં આવે છે. દ્રવ્યદ્રષ્ટિની પ્રધાનતામાં કદી પણ વ્યવહારની મુખ્યતા થતી નથી; ત્યાં પર્યાયદ્રષ્ટિના ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. ભેદદ્રષ્ટિમાં રોકાતાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાંસુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે. દર્શનની અપેક્ષાએ વ્યવહાર, પર્યાય કે ભેદ હંમેશાં ગૌણ રાખવામાં આવે છે; તેને કદી મુખ્ય કરવામાં આવતા નથી. ।। ૩૨।।

પરમાણુઓમાં બંધ થવાનું કારણ
स्निग्धरूक्षत्वाद्बन्धः।। ३३।।

અર્થઃ– [स्निग्धरूक्षत्वात] ચીકાશ અને લૂખાશને કારણે [बन्धः] બે, ત્રણ વગેરે પરમાણુઓનો બંધ થાય છે.

ટીકા

(૧) પુદ્ગલમાં અનેક ગુણો છે પણ તેમાંથી સ્પર્શ ગુણ સિવાય બીજા ગુણોના પર્યાયોથી બંધ થતો નથી, તેમજ સ્પર્શના આઠ પર્યાયમાંથી પણ સ્નિગ્ધ અને રુક્ષ નામના પર્યાયોના કારણે જ બંધ થાય છે અને બીજા છ પ્રકારના પર્યાયોથી બંધ થતો નથી