અ. પ સૂત્ર ૩૮-૩૯ ] [ ૩પ૭ શબ્દભેદ છે, પરંતુ ભાવભેદ નથી. પર્યાયથી ઉત્પાદ-વ્યયથી અને ગુણથી ધ્રૌવ્યની પ્રતીતિ થઈ જાય છે.
(૪) ગુણને અન્વય, સહવર્તી પર્યાય કે અક્રમવર્તી પર્યાય પણ કહેવાય છે તથા પર્યાયને વ્યતિરેકી અથવા ક્રમવર્તી કહેવાય છે. દ્રવ્યનો સ્વભાવ ગુણ-પર્યાયરૂપ છે, એમ સૂત્રમાં કહીને દ્રવ્યનું અનેકાંતપણું સિદ્ધ કર્યું.
(પ) દ્રવ્ય, ગુણ અને પર્યાય વસ્તુપણે અભેદ-અભિન્ન છે. નામ, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં ભેદ છે, પરંતુ પ્રદેશથી અભેદ છે, એમ વસ્તુનું ભેદાભેદસ્વરૂપ સમજવું.
(૬) સૂત્રમાં ‘वत्’ શબ્દ વાપર્યો છે તે કથંચિત્ ભેદાભેદપણું સૂચવે છે.
(૭) જે ગુણ વડે ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યથી દ્રવ્યાંતર છે’ એમ જણાય તેને વિશેષગુણ કહે છે. તે વડે તે દ્રવ્યનું વિધાન કરવામાં આવે છે. જો એમ ન હોય તો દ્રવ્યોની સંકરતા-એકતાને પ્રસંગ આવે અને એક દ્રવ્ય પલટીને બીજું થઈ જાય તો વ્યતિકરદોષનો પ્રસંગ આવે. માટે એ દોષો રહિત વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું. ।। ૩૮।।
અર્થઃ– [कालः] કાળ [च] પણ દ્રવ્ય છે.
(૧) ‘च’ નો અન્વય ‘द्रव्याणि’ આ અધ્યાયના બીજા સૂત્રની સાથે છે.
(૨) કાળ ઉત્પાદ-વ્યય-ધ્રુવ તેમ જ ગુણ-પર્યાય સહિત છે માટે તે દ્રવ્ય છે. (૩) કાળદ્રવ્યોની સંખ્યા અસંખ્યાત છે. તેઓ રત્નોના રાશિની માફક એકબીજાથી પૃથક્ લોકાકાશના સમસ્ત પ્રદેશો પર સ્થિત છે. તે દરેક કાલાણુ જડ, એકપ્રદેશી અને અમૂર્તિક છે. તેનામાં સ્પર્શ ગુણ નથી તેથી એક બીજાની સાથે મળીને સ્કંધરૂપ થતા નથી. કાળમાં મુખ્યપણે કે ઉપચારપણે પ્રદેશમૂહની કલ્પના થઈ શકતી નથી. તેથી તેને અકાયપણું છે. તે નિષ્ક્રિય છે એટલે કે એક પ્રદેશથી બીજા પ્રદેશે જતું નથી.
(૪) મુખ્ય કાળનું લક્ષણ વર્તના સૂત્ર ૨૨ માં કહ્યું. વ્યવહારકાળનું લક્ષણ તે જ સૂત્રમાં પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ કહ્યું. એ વ્યવહારકાળના અનંત સમયો છે એમ હવે પછીના સૂત્રમાં કહે છે. ।। ૩૯।।