Moksha Shastra (Gujarati). Sutra: 42 (Chapter 5).

< Previous Page   Next Page >


Page 360 of 655
PDF/HTML Page 415 of 710

 

અ. પ સૂત્ર ૪૨ ] [ ૩પ૯

(૨) પ્રશ્નઃ– પર્યાય પણ દ્રવ્યને આશ્રયે છે અને ગુણ રહિત છે માટે પર્યાયમાં પણ ગુણપણું આવી જશે, અને તેથી આ સૂત્રમાં કહેલા લક્ષણને અતિવ્યાપ્તિ દોષ લાગશે?

ઉત્તરઃ– ‘દ્રવ્યાશ્રયાઃ’ પદ હોવાથી નિત્ય દ્રવ્યનો આશ્રય કરી વર્તે છે તેની વાત છે; તે ગુણ છે, પર્યાય નથી. તેથી ‘દ્રવ્યાશ્રયાઃ’ પદથી પર્યાય તેમાં આવતો નથી. પર્યાય એક જ સમયવર્તી છે.

(૩) આ સૂત્રનો સિદ્ધાંત

દરેક ગુણ પોતપોતાના દ્રવ્યને આશ્રયે રહે છે તેથી એક દ્રવ્યનો ગુણ બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહિ, તેમ જ બીજા દ્રવ્યને પ્રેરણા, અસર કે સહાય કરી શકે નહિ. પરદ્રવ્ય નિમિત્તપણે હોય છે પણ એક દ્રવ્ય પરદ્રવ્યમાં અકિંચિત્કર છે (સમયસાર ગાથા ૨૬૭ ની ટીકા. ગુજરાતી પા. ૩૨૮). પ્રેરણા, સહાય, મદદ, ઉપકાર વગેરે શબ્દો નિમિત્તને ઉદ્દેશીને વાપરવામાં આવે છે, પણ તે ઉપચારમાત્ર છે એટલે કે નિમિત્તનું જ્ઞાનમાત્ર કરાવવા માટે છે. ।। ૪૧।।

પર્યાયનું લક્ષણ
तद्भावः परिणामः।। ४२।।

અર્થઃ– [तत् भावः] દ્રવ્યનો સ્વભાવ (નિજભાવ, નિજતત્ત્વ) [परिणामः] તે પરિણામ છે.

ટીકા

(૧) દ્રવ્ય જે સ્વરૂપે હોય છે તથા જે સ્વરૂપે પરિણમે છે તે તદ્ભાવ પરિણામ છે.

(૨) પ્રશ્નઃ– ગુણ અને દ્રવ્ય સર્વથા ભિન્ન છે, એમ કોઈ કહે છે તે ખરું છે? ઉત્તરઃ– ના; ગુણ અને દ્રવ્ય કથંચિત્ ભિન્ન છે, કથંચિત્ અભિન્ન છે એટલે કે ભિન્નાભિન્ન છે. સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-વિષયાદિ ભેદથી ભિન્ન છે, વસ્તુપણે- પ્રદેશપણે અભિન્ન છે, કેમ કે ગુણ દ્રવ્યનો જ પરિણામ છે.

(૩) બધાં દ્રવ્યોને અનાદિ અને આદિમાન પરિણામ હોય છે. પ્રવાહરૂપે અનાદિ પરિણામ છે; પર્યાય ઊપજે-વિણસે છે માટે તે આદિ સહિત છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યના અનાદિ તથા આદિમાન પરિણામ આગમગમ્ય છે તથા જીવ અને પુદ્ગલના અનાદિ પરિણામ આગમગમ્ય છે પણ તેના આદિમાન પરિણામ કથંચિત્ પ્રત્યક્ષ પણ છે.