અ. ૬ ભૂમિકા ] [ ૩૯૧ જ્ઞાનદર્શનસ્વભાવી નિજ આત્મતત્ત્વસ્વરૂપના સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન તથા આચરણલક્ષણ સ્વરૂપ તે નિશ્ચયરત્નત્રય; તે નિશ્ચયરત્નત્રયને સાધવા માગનાર જીવે વ્યવહારરત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમ જ રાગ ઉપરથી પોતાનું લક્ષ વાળવું જોઈએ; એ પ્રમાણે કરતાં નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે, અને તેના જોરે સંવર, નિર્જરા તથા મોક્ષ પ્રગટે છે, માટે એ ત્રણ તત્ત્વો ઉપાદેય છે.
હવે હેયતત્ત્વો કયા છે તે કહે છેઃ આકુળતાને ઉત્પન્ન કરનારાં એવા નિગોદનરકાદિ ગતિનાં દુઃખ તેમ જ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલ કલ્પિત સુખ તે હેય (-છોડવા યોગ્ય) છે; તેનું કારણ સંસાર છે; તે સંસારનું કારણ આસ્રવ તથા બંધ એ બે તત્ત્વો છે, પુણ્ય-પાપ બન્ને બંધતત્ત્વ છે; તે આસ્રવ તથા બંધનાં કારણ, પૂર્વે કહેલા નિશ્ચય તેમ જ વ્યવહારરત્નત્રયથી વિપરીત લક્ષણનાં ધારક એવાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ છે. તેથી આસ્રવ અને બંધ એ બે તત્ત્વો હેય છે.
આ પ્રમાણે હેય ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન થવા માટે સાત તત્ત્વોનું સ્વરૂપ જ્ઞાનીઓ નિરૂપણ કરે છે.
(૧) જૈનશાસ્ત્રોમાં કહેલા જીવના ત્રસ-સ્થાવર વગેરે ભેદોને, ગુણસ્થાન- માર્ગણા વગેરે ભેદોને, જીવ-પુદ્ગલ વગેરેના ભેદોને તથા વર્ણાદિ ભેદોને તો જીવ જાણે છે, પણ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત અને વીતરાગદશા થવાના કારણભૂત વસ્તુનું જેવું નિરૂપણ કર્યું છે તેવું જે જાણતો નથી, તેને જીવ અને અજીવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી.
(ર) વળી કોઈ પ્રસંગથી ભેદવિજ્ઞાનના કારણભૂત અને વીતરાગદશાના કારણભૂત વસ્તુના નિરૂપણનું જાણવું માત્ર શાસ્ત્રાનુસાર હોય પરંતુ પોતાને પોતારૂપ જાણીને તેમાં પરનો અંશ પણ (માન્યતામાં) ન મેળવવો તથા પોતાનો અંશ પણ (માન્યતામાં) પરમાં ન મેળવવો-એવું શ્રદ્ધાન જ્યાં સુધી જીવ ન કરે ત્યાં સુધી તેને જીવ અને અજીવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી.
(૩) જેમ અન્ય મિથ્યાદ્રષ્ટિ નિર્ધાર વિના (-નિર્ણય વગર) પર્યાયબુદ્ધિથી (-દેહ દ્રષ્ટિથી) જાણપણામાં તથા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ જે જીવ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરિરાશ્રિત થતી ઉપદેશ, ઉપવાસાદિ ક્રિયામાં પોતાપણું માને છે, તેને જીવ-અજીવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી. એવો જીવ કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બોલે પરંતુ ત્યાં તેને અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી, તેથી, જેમ કેફી મનુષ્ય માતાને માતા કહે તો પણ તે શાણો નથી તેમ, આ જીવ પણ સમ્યગ્દ્રષ્ટિ નથી.