Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 395 of 655
PDF/HTML Page 450 of 710

 

૩૯૪ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

૧. સકષાય યોગ અને અકષાય યોગ આસ્રવ અર્થાત્ આત્માના વિકારભાવ છે, એમ આગળ સૂત્ર ૪માં કહેશે.

ર. કેટલાક જીવો કષાયનો અર્થ ક્રોધ-માન-માયા-લોભ કરે છે, પણ તે અર્થ પૂરતો નથી. મોહના ઉદયમાં જોડાતાં જીવને મિથ્યાત્વ ક્રોધાદિભાવ થાય છે તે સર્વનું નામ સામાન્યપણે ‘કષાય’ છે (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૩૧.) સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વભાવ નથી એટલે તેને ક્રોધાદિભાવ થાય તે કષાય છે.

૩. યોગની ક્રિયા નવાં કર્મના આસ્રવનું નિમિત્તકારણ છે. આ સૂત્રમાં કહેલાં ‘આસ્રવ’ શબ્દમાં દ્રવ્યઆસ્રવનો સમાવેશ થાય છે. યોગની ક્રિયા તો નિમિત્તકારણ છે; તેમાં પરદ્રવ્યના દ્રવ્યાસ્રવરૂપ કાર્યનો ઉપચાર કરીને આ સૂત્રમાં યોગની ક્રિયાને જ આસ્રવ કહેલ છે.

એક દ્રવ્યના કારણને બીજા દ્રવ્યના કાર્યમાં મેળવીને વ્યવહારનયથી કથન કરવામાં આવે છે. તે પદ્ધતિ અહીં ગ્રહણ કરીને જીવના ભાવયોગની ક્રિયા કારણને દ્રવ્યકર્મના કાર્યમાં મેળવીને આ સૂત્રમાં કથન કર્યું છે; આવા વ્યવહારનયને આ શાસ્ત્રમાં નૈગમનયે કથન કર્યું કહેવાય છે; કેમ કે યોગની ક્રિયામાં દ્રવ્યકર્મરૂપ કાર્યનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

૪. પ્રશ્નઃ– આસ્રવને જાણવાની શું જરૂર છે? ઉત્તરઃ– દુઃખનું કારણ શું છે તે જાણ્યા સિવાય દુઃખ ટાળી શકાય નહિ; મિથ્યાત્વાદિક ભાવ પોતે જ દુઃખમય છે, તેને જેમ છે તેમ ન જાણે તો તેનો અભાવ પણ જીવ ન કરે અને તેથી જીવને દુઃખ જ રહે; માટે આસ્રવને જાણવો આવશ્યક છે.

(જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૮ર)

પ. પ્રશ્નઃ– અનાદિથી જીવની આસ્રવતત્ત્વની વિપરીત શ્રદ્ધા શું છે? ઉત્તરઃ– મિથ્યાત્વ-રાગાદિક પ્રગટ દુઃખદાયક છે છતાં તેનું સેવન કરવાથી સુખ થશે એમ માનવું તે આસ્રવતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.

૬. પ્રશ્નઃ– સૂત્ર ૧-ર માં યોગને આસ્રવ કહ્યો છે અને અન્યત્ર તો મિથ્યાત્વાદિને આસ્રવ કહ્યાં-તેનો શું ખુલાસો છે?

ઉત્તરઃ– સકષાય યોગ અને અકષાય યોગ એવા બે પ્રકારનો યોગ છે એમ ચોથા સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે; માટે સકષાય યોગમાં મિથ્યાત્વાદિનો સમાવેશ થઈ જાય છે એમ સમજવું.