અ. ૬ સૂત્ર ૧૨ ] [ ૪૧૧
સરાગસંયમ = સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રના ધારક મુનિને જે મહાવ્રતરૂપ શુભભાવ છે તે સંયમ સાથેનો રાગ હોવાથી, સરાગ સંયમ કહેવાય છે. રાગ કાંઈ સંયમ નથી; જેટલો વીતરાગભાવ છે તે સંયમ છે.
૨. પ્રશ્નઃ– વીતરાગ ચારિત્ર અને સરાગ ચારિત્ર એમ બે પ્રકારે ચારિત્ર કહ્યું છે, અને ચારિત્ર બંધનું કારણ નથી; તો પછી અહીં સરાગસંયમને આસ્રવ અને બંધનું કારણ કેમ કહ્યું છે?
ઉત્તરઃ– સરાગસંયમને બંધનું કારણ કહ્યું ત્યાં એમ સમજવું કે ખરેખર ચારિત્ર (સંયમ) તે બંધનું કારણ નથી, પણ રાગ છે તે બંધનું કારણ છે. જેમ ચાવલ બે પ્રકારે છે-એક તો ફોતરાં સહિત અને બીજા ફોતરાં રહિત; ત્યાં ફોતરાં છે તે ચાવલનું સ્વરૂપ નથી પણ ચાવલમાં તે દોષ છે; હવે કોઈ ડાહ્યો પુરુષ ફોતરાં સહિત ચાવલનો સંગ્રહ કરતો હોય તેને જોઈને કોઈ ભોળો માણસ ફોતરાંને જ ચાવલ માનીને તેનો સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય. તેમ ચારિત્ર (સંયમ) બે પ્રકારથી છે- એક તો સરાગ છે તથા બીજું વીતરાગ છે; ત્યાં એમ જાણવું કે જે રાગ છે તે ચારિત્રનું સ્વરૂપ નથી પણ ચારિત્રમાં તે દોષ છે. હવે કોઈ સમ્યગ્જ્ઞાની પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારે તેને દેખીને કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માનીને તેને અંગીકાર કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય. (જુઓ, મોક્ષમાર્ગ- પ્રકાશક-પા. ૨૪૯ તથા શ્રી સમયસાર પા. ૪૮૨).
મુનિને ચારિત્રભાવ મિશ્રરૂપ છે, કંઈક વીતરાગ થયા છે અને કંઈક સરાગ છે; ત્યાં જે અંશે વીતરાગ થયા છે તે વડે તો સંવર જ છે અને જે અંશે સરાગ રહ્યા છે તે વડે બંધ છે. પોતાના મિશ્રભાવમાં ‘આ સરાગતા છે અને આ વીતરાગતા છે’ એવી ઓળખાણ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; તેથી તેઓ બાકી રહેલા સરાગ ભાવને હેયરૂપ શ્રદ્ધે છે. (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૩૧).
આ રીતે સરાગ સંયમમાં જે મહાવ્રતાદિ પાળવાનો શુભભાવ છે તે આસ્રવબંધનું કારણ છે, પણ જેટલું નિર્મળ ચારિત્ર પ્રગટયું છે તે આસ્રવ-બંધનું કારણ નથી.
૩. આ સૂત્રમાં ‘आदि’ શબ્દ છે તેમાં સંયમાસંયમ, અકામનિર્જરા અને બાળતપનો સમાવેશ થાય છે.
સંયમાસંયમ = સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકનાં વ્રત. અકામનિર્જરા = પરાધીનપણે (-પોતાની ઇચ્છા વગર) ભોગ-ઉપભોગનો નિરોધ થતાં સંકલેશતા રહિત થવું અર્થાત્ કષાયની મંદતા કરવી તે.