અ. ૬. સૂત્ર ૧૩ ] [ ૪૧૩
(૧) ક્ષુધા અને તૃષા તે પીડા છે, તે પીડાથી આર્ત્ત (દુઃખી) થતા જીવો જ આહાર લેવાની ઇચ્છા કરે છે. ક્ષુધા કે તૃષાના કારણે દુઃખનો અનુભવ થવો તે આર્ત્તધ્યાન છે. કેવળી ભગવાનને સંપૂર્ણ જ્ઞાન અને અનંત સુખ હોય છે, તથા તેમને પરમ શુક્લધ્યાન વર્તે છે; તે અવસ્થાને શુક્લધ્યાન પણ ઉપચારથી કહેવાય છે. ઇચ્છા તો વર્તમાન વર્તતી દશા. પરનો અણગમો અને પર વસ્તુ તરફના રાગની હૈયાતી સૂચવે છે, કેવળી ભગવાનને ઇચ્છા હોય જ નહિ; છતાં કેવળી ભગવાન અન્નનો આહાર (કવળાહાર) કરે એમ માનવું તે ન્યાયવિરુદ્ધ છે. કેવળી ભગવાનને સંપૂર્ણ વીર્ય પ્રગટયું હોવાથી ક્ષુધા અને તૃષાની પીડા તેમને હોય જ નહિ. અને અનંત સુખ પ્રગટયું હોવાથી ઇચ્છા હોય જ નહિ. ઇચ્છા તે દુઃખ છે-લોભ છે, માટે કેવળી ભગવાનમાં આહારની ઇચ્છાનો દોષ કલ્પવો તે જીવના પોતાના શુદ્ધ સ્વરૂપનો અવર્ણવાદ છે અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે. તે દર્શનમોહનીયકર્મના આસ્રવનું કારણ છે એટલે કે તે અનંત સંસારનું કારણ છે.
(ર) આત્માને કેવળજ્ઞાન પ્રગટયા પછી શરીરમાં ઝાડાનું કે બીજું કોઈ દરદ થાય અને તેની દવા લેવી કે દવા લાવવા માટે કોઈને કહેવું-તે અશક્ય છે. *દવા લેવાની ઇચ્છા થવી અને દવા લાવવા માટે કોઈ શિષ્યને કહેવું તે બધું દુઃખની હયાતી સૂચવે છે. અનંત સુખના સ્વામી કેવળી ભગવાનને આકુળતા, વિકલ્પ, લોભરૂપ ઇચ્છા કે દુઃખ હોય એમ કલ્પવું એટલે કે કેવળી ભગવાનને સામાન્ય છદ્મસ્થ જેવા કલ્પી લેવા તે ન્યાયવિરુદ્ધ છે. જો આત્મા પોતાનું સાચું સ્વરૂપ સમજે તો આત્માની બધી દશાઓનું સ્વરૂપ ખ્યાલમાં આવે. ભગવાન છદ્મસ્થ મુનિદશામાં કરપાત્ર (હાથમાં ભોજન કરનારા) હોય છે અને આહાર માટે જાતે જ જાય છે; અને કેવળજ્ઞાન થયા પછી રોગ થાય, દવાની ઇચ્છા ઊપજે અને તે લાવવા માટે શિષ્યને આજ્ઞા કરે-તે અશક્ય છે. કેવળજ્ઞાન થતાં શરીરની અવસ્થા ઉત્તમ થાય છે અને પરમ ઔદારિકપણે પરિણમી જાય છે. તે શરીરમાં રોગ હોય જ નહિ. ‘જ્યાં રોગ હોય ત્યાં રાગ હોય જ’ એ અબાધિત સિદ્ધાંત છે. ભગવાનને રાગ નથી તેથી તેમના શરીરને રોગ પણ કદી હોતો જ નથી. આનાથી વિરુદ્ધ માનવું તે પોતાના આત્મસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવંતોનો અવર્ણવાદ છે. _________________________________________________________________
*તીર્થંકર ભગવાનને જન્મથી જ મળ-મૂત્ર હોતાં નથી અને તમામ કેવળી ભગવાનોને કેવળજ્ઞાન થયા પછી આહાર-નિહાર હોતા નથી.