Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 415 of 655
PDF/HTML Page 470 of 710

 

૪૧૪ ] [ મોક્ષશાસ્ત્ર

(૩) કોઈ પણ જીવને ગૃહસ્થદશામાં કેવળજ્ઞાન પ્રગટે એમ માનવું તે ભૂલ ભરેલું છે. ગૃહસ્થપણું છોડયા વિના ભાવસાધુપણું આવી શકે જ નહિ; ભાવસાધુપણું આવ્યા વગર કેવળજ્ઞાન તે પ્રગટે જ શી રીતે? ભાવસાધુપણું છઠ્ઠા-સાતમા ગુણસ્થાને હોય છે અને કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે; માટે ગૃહસ્થપણામાં કદી પણ કોઈ જીવને કેવળજ્ઞાન થાય નહિ. આનાથી વિરુદ્ધ માન્યતા તે પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે.

(૪) છદ્મસ્થ જીવોને જે જ્ઞાન-દર્શન-ઉપયોગ થાય છે તે જ્ઞેયસન્મુખ થવાથી થાય છે, એ દશામાં એક જ્ઞેયથી ખસીને બીજા જ્ઞેય તરફ પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવૃત્તિ વિના છદ્મસ્થ જીવનું જ્ઞાન પ્રવૃત થતું નથી; તેથી પહેલાં ચાર જ્ઞાન સુધીના કથનમાં ‘ઉપયોગ’ શબ્દનો પ્રયોગ તેના અર્થ પ્રમાણે (-‘ઉપયોગ ના અન્વયાર્થ પ્રમાણે) કહી શકાય; પરંતુ કેવળજ્ઞાન અને કેવળદર્શન તો અખંડ અવિચ્છિન્ન છે; તેને જ્ઞેય-સન્મુખ થવું પડતું નથી એટલે કે કેવળજ્ઞાન તથા કેવળદર્શનને એક જ્ઞેયથી ખસીને બીજા જ્ઞેય તરફ જોડાવું પડતું નથી; માટે કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉપયોગ કહેવો તે ઉપચાર છે. (જુઓ, અમિતગતિ આચાર્યકૃત પંચસંગ્રહ હિંદી ટીકા. પા. ૧૨૧ ઉપયોગઅધિકાર). કેવળી ભગવાનને કેવળજ્ઞાન અને કેવળદર્શન એક સાથે જ પ્રવર્તે છે. આ પ્રમાણે હોવા છતાં ‘કેવળીભગવાનને તેમ જ સિદ્ધભગવાનને જે સમયે જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ ન હોય અને જ્યારે દર્શનોપયોગ હોય ત્યારે જ્ઞાનોપયોગ ન હોય’ એમ માનવું તે મિથ્યા માન્યતા છે; તે માન્યતા “ કેવળીભગવાનને તથા સિદ્ધભગવાનને કેવળજ્ઞાન પ્રગટયા પછી જે અનંત કાળ છે તેના અર્ધાકાળમાં જ્ઞાનના કાર્ય વગર અને અર્ધાકાળમાં દર્શનના કાર્ય વગર કાઢવાનો હોય છે” એમ કહેવા બરાબર છે. એ માન્યતા ન્યાયવિરુદ્ધ છે, માટે તેવી ખોટી માન્યતા રાખવી તે પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે.

(પ) ચોથું ગુણસ્થાન (-સમ્યગ્દર્શન) સાથે લઈ જનાર આત્મા પુરુષપણે જન્મે છે, સ્ત્રીપણે જન્મતા નથી; તેથી સ્ત્રીપણે કોઈ તીર્થંકર હોઈ શકે નહિ; કેમ કે તીર્થંકર થનાર આત્મા સમ્યગ્દર્શન સહિત જ જન્મે છે, તેથી તે પુરુષ જ હોય છે. જો કોઈ કાળે પણ એક સ્ત્રી તીર્થંકર થાય એમ માનીએ તો ભૂત-ભવિષ્યની અપેક્ષાએ ભલે લાંબા કાળે થાય તોપણ) અનંત સ્ત્રીઓ તીર્થંકર થાય અને તેથી સમ્યગ્દર્શન સહિત આત્મા સ્ત્રીપણે ન જન્મે એ સિદ્ધાંત તૂટી જાય; માટે સ્ત્રીને તીર્થંકરપણું માનવું તે મિથ્યા માન્યતા છે; અને એમ માનનારે આત્માની શુદ્ધદશાનું સ્વરૂપ જાણ્યું નથી. તે ખરેખર પોતાના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળીભગવાનોનો અવર્ણવાદ કરે છે.