Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 416 of 655
PDF/HTML Page 471 of 710

 

અ. ૬ સૂત્ર ૧૩ ] [ ૪૧પ

(૬) કોઈ પણ કર્મભૂમિની સ્ત્રીને પ્રથમનાં ત્રણ ઉત્તમ સંહનનો ઉદય હોતો જ નથી;*જ્યારે જીવને કેવળજ્ઞાન થાય ત્યારે પહેલું જ સંહનન હોય છે એવો કેવળજ્ઞાન અને પહેલાં સંહનનને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. સ્ત્રીને પાંચમા ગુણસ્થાન ઉપરની દશા પ્રગટ થતી નથી, છતાં સ્ત્રીને તે જ ભવે કેવળજ્ઞાન થાય એમ માનવું તે પોતાના શુદ્ધસ્વરૂપનો અવર્ણવાદ છે અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો તથા સાધુ સંઘનો અવર્ણવાદ છે.

(૭) કેવળી ભગવાનની વાણી તાળુ, ઓષ્ઠ વગેરે દ્વારા નીકળે નહિ અને તેમાં ક્રમરૂપ ભાષા ન હોય પણ સર્વાંગ નિરક્ષરી વાણી નીકળે; આનાથી વિરુદ્ધ માનવું તે આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી કેવળીભગવાનનો અવર્ણવાદ છે.

(૮) સાતમા ગુણસ્થાનથી વંદ્ય-વંદકભાવ હોતો નથી, તેથી ત્યાં વ્યવહાર વિનયવૈયાવૃત્ય વગેરે હોતાં નથી. કોઈ જીવ કેવળજ્ઞાન થયા પછી ગૃહસ્થ, કુટુંબીઓ સાથે રહે કે ગૃહકાર્યમાં ભાગ લે એમ માનવું તે વીતરાગને સરાગી માનવા બરાબર છે. કોઈ પણ દ્રવ્ય સ્ત્રીને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય એમ માનવું તે ન્યાયવિરુદ્ધ છે. કર્મભૂમિની મહિલાને પહેલાં ત્રણ સંહનન હોતાં જ નથી અને ચોથું સંહનન હોય ત્યારે વધારેમાં વધારે સોળમા સ્વર્ગ સુધી તે જીવ જઈ શકે છે. -(જુઓ ગોમ્મટસાર-કર્મકાંડગાથા ૨૯-૩૨) આથી વિરુદ્ધ માનવું તે આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનનો અવર્ણવાદ છે.

(૯) આત્મા સર્વજ્ઞ ન થઈ શકે એમ કેટલાકનું માનવું છે; તે માન્યતા ભૂલભરેલી છે. આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે, જ્ઞાન શું ન જાણે? જ્ઞાન સર્વને જાણે એવી તેનામાં શક્તિ છે અને વીતરાગી વિજ્ઞાન વડે તે શક્તિ પ્રગટ કરી શકાય છે. વળી કેટલાએક એમ માને છે કે ‘કેવળજ્ઞાની આત્મા સર્વ દ્રવ્યો, તેના અનંત ગુણો અને તેના અનંત પર્યાયોને એક સાથે જાણે છે છતાં તેમાંથી કેટલુંક જાણપણું હોતું નથી- જેમ કે, એક છોકરો બીજા છોકરાથી કેટલો મોટો, કેટલા હાથ લાંબો; એક ઘર બીજા ઘરથી કેટલા હાથ દૂર- એ વગેરે બાબત કેવળજ્ઞાનમાં જણાતી નથી.’ આ માન્યતા દોષિત છે; તેમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે.

(૧૦) ‘શુભથી ધર્મ થાય; શુભ કરતાં કરતાં ધર્મ થાય’ એવો ઉપદેશ કેવળી-તીર્થંકર ભગવાને કર્યો છે-એમ માનવું તે તેમનો અવર્ણવાદ છે. શુભભાવ વડે ધર્મ થતો હોવાથી ભગવાને શુભભાવો કર્યા હતા. ભગવાને તો બીજાઓનું ભલું કરવામાં પોતાનું જીવન અર્પી દીધું હતું.’ એ વગેરે પ્રકારે ભગવાનની જીવનકથા _________________________________________________________________

*જુઓ ગોમ્મટસાર-કર્મકાંડ ગાથા-૩૨